મદરેસાના લાખો વિદ્યાર્થીઓ અને હજારો શિક્ષકોને અન્ય શાળાઓમાં ગોઠવવાની પ્રક્રિયા પર ‘સુપ્રીમ’ રોક

લખનૌ: સુપ્રિમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા 22 માર્ચે આપેલા આદેશ પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે પોતાના આદેશમાં યુપી બોર્ડ ઓફ મદરેસા એજ્યુકેશન એક્ટ 2004ને (UP Board of Madarsa Education Act, 2004) ગેરબંધારણીય (Unconstitutional) જાહેર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટનું કહેવું યોગ્ય નથી કે મદરેસા બોર્ડ બંધારણના ધર્મનિરપેક્ષ સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. આ સાથે સુપ્રીમ કોર્ટે મદરસા બોર્ડના 17 લાખ વિદ્યાર્થીઓ અને 10 હજાર શિક્ષકોને અન્ય શાળાઓમાં ગોઠવવાની પ્રક્રિયા પર પણ રોક લગાવી દીધી છે.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ (Chief Justice DY Chandrachud), જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેંચે આ મામલે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને પણ નોટિસ પાઠવી છે. અંશુમાન સિંહ રાઠોડ નામના વકીલે યુપી મદરસા કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરી હતી, જેના પર હાઈકોર્ટે મદરસા કાયદાને ગેરબંધારણીય ગણાવીને ટકોર કરી હતી.
જસ્ટિસ વિવેક ચૌધરી અને જસ્ટિસ સુભાષ વિદ્યાર્થીની બનેલી હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે પોતાના આદેશમાં કહ્યું હતું કે સરકાર પાસે ધાર્મિક શિક્ષણ માટે બોર્ડની રચના કરવાની કે કોઈ વિશેષ ધર્મ માટે શાળા શિક્ષણ બોર્ડની સ્થાપના કરવાની સત્તા નથી. તેના આદેશમાં અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે રાજ્ય સરકારને રાજ્યની મદરેસાઓમાં ભણતા વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ગોઠવવાનો નિર્દેશ આપ્યો હતો.