કાશ પુરૂષોને પણ પીરિયડ્સ આવતા હોત… સુપ્રીમ કોર્ટે કોને ફટકાર લગાવી.. જાણો

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે રાજ્યમાં મહિલા સિવિલ જજોની સેવાઓને સમાપ્ત કરવા અને તેમાંથી કેટલાકને પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કરવા બદલ મધ્યપ્રદેશ હાઇકોર્ટની ઝાટકણી કાઢી હતી.
સુપ્રીમ કોર્ટે મંગળવારે મધ્યપ્રદેશ હાઈકોર્ટની આકરી ટીકા કરી હતી. આ મામલો મહિલા સિવિલ જજોની સેવાઓ સમાપ્ત કરવા અને કેટલીક મહિલા ન્યાયાધીશોની સેવાઓને પુનઃસ્થાપિત ન કરવા સંબંધિત છે. જે રીતે આ મહિલા ન્યાયાધીશોની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી અને તેમાંથી કેટલીકની સેવાઓ પુનઃસ્થાપિત કરવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો હતો. તે માટે સુપ્રીમ કોર્ટે એમપી હાઈકોર્ટની ટીકા કરી હતી.
આ પણ વાંચો: ‘જામીન મળ્યાના બીજા જ દિવસે પ્રધાન બની ગયા’ સુપ્રીમ કોર્ટે આ નેતાની ઝાટકણી કાઢી…
ન્યાયાધીશ બીવી નાગરથના અને ન્યાયાધીશ એન કોટીશ્વર સિંહની બેન્ચ સમક્ષ આ મામલો સુનાવણી માટે આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ બીવી નાગરથનાએ મહિલાઓની શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જરૂરિયાતો વિશેની સમજણના અભાવ પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, ‘કાશ પુરુષોને પણ પીરિયડ્સ આવે તો તેઓ સમજી શકે.’ કોર્ટે સવાલ કર્યો હતો કે ‘શું વકીલો કહી શકે કે અમે ધીમા છીએ? “ખાસ કરીને સ્ત્રી જજ માટે, જો તેઓ શારીરિક અને માનસિક રીતે પીડાતી હોય, ત્યારે તેઓ ધીમી છે એમ કહીને તેમને ઘરે ના મોકલી શકાય.”
બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યારે ન્યાયાધીશો માનસિક અને શારીરિક રીતે પીડાતા હોય ત્યારે કેસોના નિકાલનો દર બરતરફી કરવા માટેનો માપદંડ ન હોઈ શકે. બેન્ચે આ કેસની આગામી સુનાવણી 12 ડિસેમ્બરે નિયત કરી છે.
આ પણ વાંચો: સંભલ મસ્જિદ વિવાદ, સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટની સુનાવણી પર રોક લગાવી
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે જૂન 2023 માં મધ્ય પ્રદેશ સરકાર દ્વારા છ ન્યાયાધીશોની બરતરફી અંગે સુઓ મોટો સંજ્ઞા લીધી હતી.
જજોના પ્રોબેશન સમયગાળા દરમિયાન તેમની કામગીરી અસંતોષકારક જણાયા પછી કાયદા વિભાગ દ્વારા તેમને બરતરફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.