નવી દિલ્હી: કોલકાતાની આરજી કાર મેડીકલ હોસ્પિટલમાં મહિલા રેસીડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના કેસ (Kolkata rape and Murder Case) મામલે હજુ પણ કોલકાતાના ડોક્ટર્સ આદોલન કરી રહ્યા છે, મમતા સરકાર ડોક્ટર્સની માંગ સ્વીકારવા તૈયાર થઇ છે. તો બીજી તરફ સુઓમોટો સંજ્ઞાન લીધા બાદ સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી કરવામાં આવી રહી છે, આજે કોર્ટે સીબીઆઈને લેટેસ્ટ સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું છે. કોર્ટે પશ્ચિમ બંગાળ પોલીસને મૃતક ડૉક્ટરનો ઑટોપ્સી રિપોર્ટ રજૂ કરવા કહ્યું છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે વિકિપીડિયાને પણ ફટકાર લગાવી હતી.
CJI ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે બળાત્કાર પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ. પીડિતાના માતા-પિતાના વકીલે કોર્ટને જણાવ્યું કે વિકિપીડિયાએ નામ અને ફોટોગ્રાફ હટાવવાનો ઇનકાર કર્યો છે. CJI ચંદ્રચુડે કહ્યું કે અમે વિકિપીડિયાને ચેતવણી આપીએ છીએ કે પીડિતાનો ફોટો અને નામ હટાવી દો.
પશ્ચિમ બંગાળ સરકાર વતી હાજર રહેલા કપિલ સિબ્બલે કહ્યું કે આ સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ બંધ કરવું જોઈએ. તેમણે કહ્યું કે બંગાળ સરકારનું પ્રતિનિધિત્વ કરતા વકીલોને સોશિયલ મીડિયા પર બળાત્કાર અને એસિડ એટેકની ધમકી આપવામાં આવી રહી છે.
CJI ચંદ્રચુડે કહ્યું કે આ જાહેર હિતનો મુદ્દો છે અને તેથી લાઇવ સ્ટ્રીમિંગ બંધ કરવામાં આવશે નહીં. જો કોઈને જોખમ હશે તો જરૂરી પગલાં લેવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પીડિતાની તસવીરો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી હટાવી દેવી જોઈએ. આ સિવાય સીબીઆઈએ 17 સપ્ટેમ્બર સુધીમાં કોર્ટમાં તપાસનો નવો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવો જોઈએ.
આ સાથે ખંડપીઠે હડતાળ પર ઉતારેલા ડૉક્ટરોએને પણ ચેતવણી આપી હતી. કોર્ટે કહ્યું કે તેમણે હડતાલ સમાપ્ત કરી બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવું જોઈએ, અન્યથા તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
| Also Read: Kolkata રેપ અને મર્ડર કેસના લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
સીજેઆઈએ કહ્યું કે મૃતકના પિતાએ કેટલાક સબૂતો અંગે કેટલાક સૂચનો આપ્યા છે, જેની તપાસ થવી જોઈએ. અમે તેને સાર્વજનિક નથી કરી રહ્યા, આ મૂલ્યવાન ઈનપુટ છે અને સીબીઆઈએ તેની તપાસ કરવી જોઈએ.
રાજ્યભરની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં ડ્યુટી રૂમ, શૌચાલયની સુવિધા અને સીસીટીવી કેમેરાને અપગ્રેડ કરવા માટે આરોગ્ય સચિવ દ્વારા લેવાયેલા પગલાં અંગે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. એફિડેવિટમાં આપવામાં આવેલા આંકડા દર્શાવે છે કે પશ્ચિમ બંગાળમાં 28 અને કોલકાતામાં 9 સરકારી મેડિકલ કોલેજ છે.
કોર્ટે સીઆઈએસએફ જવાનોને આવાસ આપવાનો સરકારને નિર્દેશ આપ્યો છે.
દરમિયાન CJI ચંદ્રચુડે કહ્યું કે તપાસ પૂર્ણ થવામાં સમય લાગશે. સીબીઆઈને પૂરતો સમય મળવો જોઈએ.