અંતરાત્મા ઢંઢોળવાની જરૂર’, બિલને મંજૂરી આપવામાં વિલંબને પગલે સુપ્રીમે રાજ્યપાલોને કરી ટકોર
પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત દ્વારા વિધાનસભામાં પસાર થઇ ચુકેલા ખરડાને મંજૂરી આપવામાં થઇ રહેલા વિલંબને પગલે રાજ્ય સરકાર તરફથી દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલોએ તેમના અંતરાત્મા ઢંઢોળવો જોઇએ. મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે તે પહેલા જ કામગીરી થઇ જવી જોઇએ. પંજાબ સરકારે તેમની અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારની ગેરબંધારણીય નિષ્ક્રિયતાને પગલે તંત્ર ઠપ્પ થઇ ગયું છે.
જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની સંયુક્ત બેન્ચ સામે સુનાવણી દરમિયાન સીજેઆઇએ જણાવ્યું હતું કે રાજ્યપાલ પાસે બિલ સુરક્ષિત રાખવાનો અધિકાર છે. તેની સામે પંજાબ સરકાર વતી દલીલ કરતા વકીલ અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં પસાર થઇ ગયેલા 7 બિલ રાજ્યપાલની મંજૂરી વગર રોકાયેલા છે. તો સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે રાજ્યપાલ બિલનું અધ્યયન કરીને પાસ કરશે. અમે તમામ વિગતો સુપ્રીમ કોર્ટ સામે રજૂ કરીશું.
સ્પીકરે ફરીવાર વિધાનસભાનું સત્ર બોલાવ્યું છે. રાજ્યપાલ વિધેયક પાસ કરવા માટે બંધાયેલા છે. વિધાનસભાએ 7 બિલ પાસ કર્યા છે. જો તેમને અયોગ્ય લાગે તો બિલ પરત કરી શકે છે પરંતુ તેઓ સત્ર ખતમ થયા બાદ તમે ફરી બેઠક ન યોજી શકો એવું કહીને તેઓ હસ્તાક્ષર નથી કરી રહ્યા. સીજેઆઇએ ટિપ્પણી કરતા કહ્યું હતું કે અનેક રાજ્યોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં પંજાબ સરકારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા માટે નિર્દેશ આપવા વિનંતી કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની ગેરબંધારણીય નિષ્ક્રિયતાને કારણે સમગ્ર વહીવટીતંત્ર ઠપ્પ થઈ ગયું છે. સરકારે દલીલ કરી હતી કે રાજ્યપાલ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને અનિશ્ચિત સમય માટે રોકી શકે નહીં. પંજાબના રાજ્યપાલના મુખ્ય સચિવને અરજીમાં પ્રથમ પ્રતિવાદી તરીકે નામ આપવામાં આવ્યું છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણીય જોગવાઈઓ મુજબ સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય અને સલાહ મુજબ રાજ્યપાલે વિધાનસભા બોલાવવી પડે છે.
પંજાબ સરકારની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો હતો અને રાજ્યપાલ પાસે 3 માર્ચથી વિધાનસભાનું બજેટ સત્ર બોલાવવાની પરવાનગી માંગી હતી. જોકે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતે આ બજેટ સત્ર બોલાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત એક પત્ર લખીને કહ્યું કે મુખ્યપ્રધાનના ટ્વીટ અને નિવેદન તદ્દન અપમાનજનક અને ગેરબંધારણીય છે. આ ટ્વીટ્સ પર કાયદાકીય સલાહ લેવી. આ પછી અમે બજેટ સત્ર બોલાવવા પર વિચાર કરીશું.
13 ફેબ્રુઆરીના રોજ પંજાબના રાજ્યપાલે મુખ્યપ્રધાનને પત્ર લખીને સિંગાપોરમાં તાલીમ માટે મોકલવામાં આવેલા આચાર્યોની પસંદગી પ્રક્રિયા અને ખર્ચ સહિત અન્ય ચાર મુદ્દાઓની માહિતી માંગી હતી. એ પછી મુખ્યપ્રધાને 13 ફેબ્રુઆરીએ ટ્વીટ કરીને રાજ્યપાલની નિમણૂક પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને સ્પષ્ટ કર્યું હતું કે રાજ્યપાલ દ્વારા ઉઠાવવામાં આવેલા તમામ મુદ્દા રાજ્યના વિષય છે. મુખ્યપ્રધાને લખ્યું હતું કે તેમની સરકાર 3 કરોડ પંજાબીઓ માટે જવાબદાર છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કોઈ રાજ્યપાલને નહીં. આ ટ્વીટ યુદ્ધને પગલે પંજાબના મુખ્યપ્રધાન અને રાજ્યપાલ વચ્ચે વિવાદ સર્જાયો છે.