
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કેરળના રાજ્યપાલની કામગીરી પર સવાલો ઉઠાવતા પૂછ્યું હતું કે 2 વર્ષ સુધી કેરળની વિધાનસભામાં પસાર કરાયેલા બિલ શા માટે પેન્ડિંગ રહ્યા? રાજ્યપાલની જેમ બંધારણીય જવાબદારીઓ છે તેમ કોર્ટની પણ બંધારણ તથા જનતા પ્રત્યે જવાબદારી છે. સુપ્રીમ કોર્ટ રાજ્યપાલોને બિલ અંગે નિર્ણયો લેવાના મુદ્દે માર્ગદર્શિકા બનાવવા વિશે વિચાર કરશે.
કેરળ સરકારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ વિરુદ્ધ વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલને પેન્ડિંગ રાખવા મામલે સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી જેના પર આજે સુનાવણી યોજાઇ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેરળ સરકારને અરજીમાં સંશોધન કરવાની પરવાનગી આપી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે બંધારણીય વહીવટમાં રાજકીય અગમચેતી દેખાવા દો. રાજ્યપાલની તરફથી ઉપસ્થિત રહેલા વકીલે જણાવ્યું હતું કે કેટલાક મુદ્દાઓ છે જેમાં રાજ્યપાલ ઇચ્છે છે કે તેમની, મુખ્યપ્રધાનની તથા જેમના વિભાગના મુદ્દા હોય તે પ્રધાનોની હાજરીમાં વિગતવાર ચર્ચા કરી તેનું સમાધાન લાવવામાં આવે. એ કારણે પણ અમુક બિલ પેન્ડિંગ છે.
CJI ડી વાય ચંદ્રચૂડે જણાવ્યું હતું કે અમે કહીશું કે રાજ્યપાલ, મુખ્યપ્રધાન અને જે-તે વિભાગના પ્રધાનોને આમંત્રણ આપી બિલો પર ચર્ચા કરવામાં આવે. આ સાથે જ કેરળ સરકાર તરફથી ઉપસ્થિત થયેલા વકીલે જણાવ્યું હતું કે બાકી રહેલા આઠ બિલોમાંથી રાજ્યપાલે કોઈપણ કારણ આપ્યા વગર સાત બિલ રાષ્ટ્રપતિને મોકલી દીધા છે. આવું કરવા પાછળ તેમણે કારણ જણાવ્યું નથી. આ મામલે કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઇએ. રાજ્યપાલ દ્વારા બિલ અંગે જે નિર્ણયો લેવામાં આવે છે તે વિશે કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરવી જોઇએ.
કેરળ સરકારે રાજ્યપાલ પર લાંબા સમય સુધી બિલ પેન્ડિંગ રાખીને કાર્યવાહી રોકી રાખવાનો આરોપ લગાવ્યો હતું. આ મુદ્દે કેરળ સરકારે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે બિલ લાંબા સમય સુધી રોકી રાખવું તથા તેના પર આગળ કોઇ કાર્યવાહી ન કરવી એ બંધારણની કલમ 14 નું ઉલ્લંઘન છે.
રાજ્ય સરકારનું કહેવું હતું કે વિધાનસભા દ્વારા રાજ્યના લોકોના કલ્યાણ માટે બિલ પસાર કરવામાં આવ્યા છે. રાજ્યપાલ આ બિલો પર કોઈ પગલાં ન લે તો રાજ્યની પ્રજા તેમના અધિકારોથી વંચિત રહી જાય છે.