“રાજ્યને એક વ્યક્તિને બચાવવામાં કેમ રસ છે” સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તૃણમુલ કોંગ્રેસ(TMC)ની પશ્ચિમ બંગાળ સરકારને ઝટકો આપ્યો છે, TMCએ સંદેશખાલી કેસ(Sandeshkhali case)ની CBI તપાસ સામે દાખલ કરેલી અરજી સુપ્રીમ કોર્ટે (Supreme court) ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) સંદેશખાલીના શાહજહાં શેખ અને તેના સહયોગીઓ પરના લાગેલા જાતીય હુમlલા અને જમીન હડપ કરવાના આરોપોની તપાસ કરવાનું ચાલુ રાખશે.
જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેન્ચે મમતા બેનર્જી સરકારને એ જણાવવા કહ્યું કે રાજ્યને શા માટે એક વ્યક્તિને બચાવવામાં વધુ રસ છે.
બંગાળ પોલીસ સાથે ધર્ષણ બાદ ફેબ્રુઆરીમાં CBI દ્વારા શેખની ધરપકડ કરવામાં આવી હતી. એક દિવસ પછી, તૃણમૂલ કોંગ્રેસે શાહજહાં શેખને છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
કલકત્તા હાઈકોર્ટે એપ્રિલમાં શેખ અને તેના સાથીદારો સામેના 42 કેસોની CBI તપાસનો આદેશ આપ્યો હતો, અને કહ્યું હતું કે મામલો જટિલ છે અને નિષ્પક્ષ તપાસની જરૂર છે. પશ્ચિમ બંગાળ સરકારે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આજે સોમવારે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારની અરજી ફગાવી દીધી હતી અને હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પશ્ચિમ બંગાળ સરકાર અને પોલીસ વિરુદ્ધ હાઈકોર્ટની ટિપ્પણીઓથી સીબીઆઈ તપાસને પ્રભાવિત કરવી જોઈએ નહીં.
સંદેશખાલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ પર હુમલાના કેસની સીબીઆઈ પહેલેથી જ તપાસ કરી રહી છે અને 5 જાન્યુઆરીએ બનેલી ઘટનાઓ સંબંધિત ત્રણ એફઆઈઆર નોંધી છે. કોલકાતા હાઈકોર્ટે સંદેશખાલીમાં મહિલાઓ સાથે જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ કરવા CBIને સોંપવા આદેશ આપ્યો હતો.
Also Read –