સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર ધારદાર દલીલો, સીજેઆઈએ સવાલ પૂછતાં કપિલ સિબ્બલ ફસાયા

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટમાં વક્ફ સુધારા કાયદા પર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર અને અરજદારો વચ્ચે ઉગ્ર ચર્ચા જોવા મળી. આ મુદ્દો સંવેદનશીલ હોવા ઉપરાંત કાનૂની દૃષ્ટિકોણથી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચ સમક્ષ ચર્ચા ત્યારે વધુ તીવ્ર બની જ્યારે કેન્દ્રએ આરોપ લગાવ્યો કે અરજદારે નિર્ધારિત મુદ્દાઓ સિવાય અન્ય મુદ્દાઓ ઉઠાવ્યા છે. જ્યારે અરજદારે તેનો સખત વિરોધ કર્યો.
આ સુનાવણી દરમિયાન, વક્ફ કાયદાને પડકારનારાઓ વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં પોતપોતાના પક્ષમાં મજબૂત દલીલો રજૂ કરી હતી.
સીજેઆઈએ કપિલ સિબ્બલને પ્રશ્ન પૂછતાં ફસાયા
આ ચર્ચા દરમિયાન સીજેઆઈએ કપિલ સિબ્બલને પૂછ્યું, “શું પહેલાના કાયદામાં નોંધણી જરૂરી હતી?” શું જૂના કાયદામાં વકફ મિલકતોની નોંધણી ફરજિયાત હતી કે તે ફક્ત એક નિર્દેશ હતો? આના પર સિબ્બલે કહ્યું, “હા.” પહેલાના કાયદામાં કહેવામાં આવ્યું હતું કે નોંધણી કરવામાં આવશે. તેમાં “Shall” શબ્દનો ઉપયોગ થયો હતો. સીજેઆઇ એ કહ્યું કે ફક્ત “Shall” શબ્દનો ઉપયોગ કરીને નોંધણી ફરજિયાત બનાવી શકાય નહીં.
જૂના વકફના કાગળો ક્યાંથી આવશે
જેમાં વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે કાયદો કોઈપણ વ્યક્તિને વકફ મિલકત પર વાંધો ઉઠાવવાનો અધિકાર આપે છે અને જ્યાં સુધી વિવાદ ચાલુ રહેશે ત્યાં સુધી મિલકત વકફની રહેશે નહીં. તેમને વાંધો છે કે 100-200 વર્ષ જૂના વકફના કાગળો ક્યાંથી આવશે અને અલ્લાહને દાનમાં આપેલી મિલકત બીજા કોઈને કેવી રીતે ટ્રાન્સફર કરી શકાય. અરજદારો તરફથી તેમણે દલીલ કરી હતી કે આ તેમના ડીએનએમાં છે.
વકફ અલ્લાહને આપેલું દાન
કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ એજી મસીહની બેન્ચને જણાવ્યું હતું કે જો વકફ મિલકત અંગે કોઈ વિવાદ હોય તો તેનો નિર્ણય કરનાર પણ સરકારી અધિકારી હશે. તેમણે કહ્યું કે નવા કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ વકફ મિલકત પર વાંધો ઉઠાવી શકે છે. કોર્ટને વકફનો અર્થ સમજાવતા તેમણે કહ્યું, ‘વકફ શું છે, તે અલ્લાહને આપેલું દાન છે. જે બીજા કોઈને ટ્રાન્સફર કરી શકાતું નથી.’ એકવાર મિલકત વકફ થઈ જાય પછી તે વકફ રહે છે.
બોર્ડમાં બહુમતી ગેર-મુસ્લિમો હોઈ શકે છે
કપિલ સિબ્બલે કહ્યું કે વકફ મિલકતના સંચાલનનો અધિકાર છીનવાઈ રહ્યો છે. નવા કાયદા મુજબ, વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બહુમતી ગેર-મુસ્લિમો હોઈ શકે છે. તેમણે કહ્યું કે રાજ્ય વક્ફ બોર્ડમાં 12 ગેર-મુસ્લિમ અને 10 મુસ્લિમ હોઈ શકે છે. અગાઉ આ પદો માટે ચૂંટણીઓ યોજાતી હતી. તેમાં રાજ્ય સરકારનો મુસ્લિમ નામાંકિત પ્રતિનિધિ હાજર રહેતો. પરંતુ હવે તે ગેર-મુસ્લિમ પણ હોઇ શકે છે.
કલેક્ટર મિલકતના વિવાદનું સમાધાન કરશે
કપિલ સિબ્બલે કહ્યું કે વકફ મેળવવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ સુધી મુસ્લિમ હોવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, કલેક્ટર મિલકતના વિવાદનું સમાધાન કરશે. આ બધી જોગવાઈઓ જો અમલમાં મૂકવામાં આવે તો મોટું નુકસાન થશે. આ તમામ જોગવાઈઓ રદ કરવી જોઇએ.