ચૂંટણી ટાણે રાજકીય પક્ષોને સુપ્રીમ કોર્ટનો ઝટકો
ઇલેક્ટરલ બૉન્ડ્સની સ્કીમ રદ કરી
નવી દિલ્હી: સર્વોચ્ચ અદાલતે રાજકીય પક્ષોને ભંડોળ પૂરું પાડવા માટેની ઇલેક્ટરલ (ચૂંટણીલક્ષી) બૉન્ડ્સ સ્કીમને ગેરબંધારણીય ગણાવીને તેને રદ કરતો ચુકાદો ગુરુવારે આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે ચૂંટણીલક્ષી બૉન્ડ્સની સ્કીમ બંધારણમાં અપાયેલી વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતા તેમ જ માહિતી મેળવવાના અધિકાર (રાઇટ ટૂ ઇન્ફૉર્મેશન)ની વિરુદ્ધ છે.
લોકસભાની ચૂંટણી ટૂંક સમયમાં યોજાવાની હોવાથી સર્વોચ્ચ અદાલતનો આ ચુકાદો વિશેષ મહત્ત્વ ધરાવે છે.
સર્વોચ્ચ અદાલતે ભારતીય સ્ટેટ બૅન્કને છ વર્ષ જૂની આ સ્કીમમાં ફાળો આપનારા લોકોના નામ ચૂંટણી પંચ સમક્ષ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની પાંચ ન્યાયાધીશની બંધારણીય બૅન્ચે ભારતીય સ્ટેટ બૅન્કને રાજકીય પક્ષો દ્વારા રોકડા કરાયેલા આવા દરેક ઇલેક્ટરલ બૉન્ડ્સની માહિતી જાહેર કરવા આદેશ અપાયો હતો. બૅન્કે આ બૉન્ડના રોકડા કરવાની તારીખ અને રકમ વગેરે વિગત ચૂંટણી પંચને છ માર્ચ સુધીમાં આપવી પડશે.
બૅન્ચે જણાવ્યું હતું કે ભારતીય સ્ટેટ બૅન્ક દ્વારા અપાયેલી સંબંધિત માહિતીને ચૂંટણી પંચ પોતાની વેબસાઇટ પર ૧૩ માર્ચ સુધીમાં જાહેર કરશે.
બંધારણીય બૅન્ચમાંના પાંચ ન્યાયાધીશોમાં ડી. વાય. ચંદ્રચૂડ ઉપરાંત સંજીવ ખન્ના, બી. આર. ગવઇ, જે. બી. પારડીવાલા અને મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે. તેઓએ આ સ્કીમને પડકારતી અરજીઓના સંબંધમાં સર્વસંમતિથી બે અલગ ચુકાદા આપ્યા હતા.
દેશના મુખ્ય ન્યાયાધીશે આ ચુકાદો આપતા જણાવ્યું હતું કે આ સ્કીમ બંધારણના ૧૯(૧)(એ) પરિશિષ્ટ હેઠળ અપાયેલી વાણી અને વિચારની અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ભંગ કરે છે.
તેમણે જણાવ્યું હતું કે ઇલેક્ટરલ બૉન્ડ સ્કીમ મતદારના માહિતી મેળવવાના અધિકારનો પણ ભંગ કરે છે. નાગરિકોને રાજકીય સંબંધ અને તેને લગતી માહિતી ગુપ્ત રાખવાનો મૂળભૂત અધિકાર છે.
સર્વોચ્ચ અદાલતે લોકપ્રતિનિધિત્વ ધારા અને આવકવેરા ધારા સહિતના વિવિધ કાયદામાંના સુધારાને પણ ગેરકાયદે ગણાવ્યા હતા.
બંધારણીય બૅન્ચે ભારતીય સ્ટેટ બૅન્કને ૨૦૧૯ની ૧૨ એપ્રિલથી અત્યાર સુધી અપાયેલા ઇલેક્ટરલ બૉન્ડ્સની વિગત ચૂંટણી પંચને આપવાનો અને હવે આ બૉન્ડ આપવાનું બંધ કરવાનો હુકમ કર્યો હતો.
ભારતીય સ્ટેટ બૅન્કે ૨૦૧૯ની ૧૨ એપ્રિલથી અત્યાર સુધી અપાયેલા ઇલેક્ટરલ બૉન્ડ્સ દ્વારા રાજકીય પક્ષોને મળેલા ભંડોળની વિગત ચૂંટણી પંચને આપવી પડશે. (એજન્સી)