Supreme Court કેસ અંગેની અપડેટ્સ WhatsApp મળી જશે: ચીફ જસ્ટિસે કરી જાહેરાત
નવી દિલ્હી: ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડ (CJI DY Chandrachud) ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયપ્રણાલીને વધુ કાર્યક્ષમ અને લોકો માટે સુલભ બનાવવાની હિમાયત કરતા રહે છે. એવામાં CJI ગુરુવારે જાહેરાત કરી હતી કે સુપ્રીમ કોર્ટ વોટ્સએપ મેસેજીસ (WhatsApp Messages)દ્વારા વકીલોને કોઝ લિસ્ટ, કેસ ફાઇલિંગ અને કેસ લિસ્ટિંગ સંબંધિત માહિતી મોકલવામાં આવશે.
CJI ચંદ્રચુડે જણાવ્યું કે “ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75માં વર્ષમાં વધુ એક નાની પહેલ શરૂ કરવામાં આવી રહી છે, જેના કારણે સકારાત્મક અસરો થવાની સંભાવના છે. WhatsApp મેસેન્જર એ આપણા રોજિંદા જીવનમાં વપરાતી સર્વિસ છે અને WhatsApp એક અસરકારક સંચાર સાધનની ભૂમિકા ભજવી રહ્યું છે. ન્યાય સુધી પહોંચવાના અધિકારને મજબૂત કરવા અને ન્યાયિક પ્રણાલીમાં પારદર્શિતા વધારવા માટે, સુપ્રીમ કોર્ટ તેની IT સેવાઓ સાથે WhatsApp મેસેજિંગને સંકલિત કરશે.”
જસ્ટિસ ચંદ્રચુડની આગેવાની હેઠળની નવ ન્યાયાધીશોની બેન્ચે અરજીઓથી પેદા થતા જટિલ કાયદાકીય પ્રશ્ન પર સુનાવણી શરૂ કરે એ પહેલા CJIએ આ જાહેરાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે હવે વકીલોને કેસ ફાઇલિંગ સંબંધિત ઓટોમેટેડ મેસેજ મળશે. વધુમાં, કોઝ લિસ્ટ પબ્લીશ થવાની સાથે બારના સભ્યોના મોબાઇલ ફોન મોકલવામાં આવશે.
ન્યાયમૂર્તિ ચંદ્રચુડે કહ્યું કે “આ ફેસિલિટી અને સર્વિસ આપણી રોજિંદી કામ કરવાની પદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર લાવશે. આ સર્વિસ કાગળ અને આપણી પૃથ્વીને બચાવવામાં પણ ફાળો આપશે.”
આ અંગે પ્રતિભાવ આપતા ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, “આ વધુ એક ક્રાંતિકારી પગલું છે.” જસ્ટિસ ચંદ્રચુડે સુપ્રીમ કોર્ટનો અધિકૃત વોટ્સએપ નંબર પણ જાહેર કર્યો હતો, સાથે તેમણે સ્પષ્ટ કર્યું કે તેના કોઈ મેસેજ કે કોલ સ્વીકારવામાં આવશે નહીં.
CJI ચંદ્રચુડના માર્ગદર્શન હેઠળ, સુપ્રીમ કોર્ટની ન્યાયિક કામગીરીના ડિજિટલાઇઝેશન પ્રોગ્રામ ઝડપથી આગળ વધી રહ્યો છે. સરકારે ઈ-કોર્ટ પ્રોજેક્ટ માટે ₹7,000 કરોડ ફાળવ્યા છે.