Supreme Court: કેજરીવાલને જામીન મળે એવા સંકેત આપ્યા બાદ SCએ ચુકાદો અનામત રાખ્યો, જાણો કોર્ટે શું કહ્યું
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલીસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગના આરોપમાં દિલ્હીના મુખ્ય પ્રધાન આરવિંદ કેજરીવાલની 21 માર્ચના રોજ ED ધરપકડ કરવામાં આવી હતી. કેજરીવાલેની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી છે. હાલમાં કેજરીવાલ તિહાર જેલમાં બંધ છે.
આજે થયેલી સુનાવણી બાદ બેન્ચે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. આ કેસમાં કેજરીવાલના જામીન વિરુદ્ધ EDના વકીલો કોર્ટમાં સતત દલીલો કરી હતી. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી તેમના વચગાળાના જામીન માટે વિનંતી કરી રહ્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો છે. હવે આ મામલામાં આગામી સુનાવણી 9 મેના રોજ થઈ શકે છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે સુનાવણી કરી હતી. EDને કહ્યું કે તે ચૂંટણીને કારણે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર વિચાર કરી શકે છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું કે અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે જો અમે તમને વચગાળાના જામીન પર મુક્ત કરીએ, તો અમે નથી ઈચ્છતા કે તમે સત્તાવાર ફરજો બજાવો.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે જામીન આપવામાં આવશે કે નહીં તે અંગે પછી નિર્ણય કરવામાં આવશે. તેઓ ચૂંટાયેલા મુખ્ય પ્રધાન છે. તેમના ચૂંટણી પ્રચાર કરવાથી આભ નહીં ફાટી પડે. દરેકને ચૂંટણી દરમિયાન મતદાન કરવાનો અને પ્રચાર કરવાનો અધિકાર છે. આ ચૂંટણી પાંચ વર્ષ પછી યોજાઈ રહી છે. એ ખેતરનપ પાક નથી જે 6 મહિનામાં તૈયાર થઈ શકે જે વર્ષમાં બે વાર ઉગાડી શકાય.
કોર્ટે એમ પણ કહ્યું કે તેઓ સીએમ છે અને આ ચૂંટણીની મોસમ છે. તેની સામે એવો કોઈ કેસ નથી જે સાબિત કરે કે તે રીઢો ગુનેગાર છે.
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોર્ટ કેજરીવાલને જામીન આપવા પર વિચાર કરી શકે છે. જો કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળે છે તો દિલ્હી અને પંજાબની લોકસભા ચૂંટણીમાં કેજરીવાલ મોટી ભૂમિકા ભજવી શકે છે. દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન થવાનું છે. જ્યારે પંજાબમાં 1 જૂને મતદાન થવાનું છે.