ડિવોર્સ પછી મહિલા પૂર્વ પતિ વિરુદ્ધ ક્રૂરતાનો કેસ દાખલ કરી શકે નહીં: Supreme Court
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે છૂટાછેડા લીધાના છ મહિના પછી એક મહિલા દ્વારા તેના ભૂતપૂર્વ પતિ વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી ફોજદારી કાર્યવાહીને રદ કરવા માટે બંધારણની કલમ 142 હેઠળ સત્તાનો ઉપયોગ કર્યો છે.
કેસની વિગત મુજબ નવેમ્બર 1996માં મહિલાના લગ્ન અરુણ જૈન સાથે થયા હતા.
એપ્રિલ 2001માં તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. પતિએ એપ્રિલ 2007માં વૈવાહિક ઘર છોડી દીધું હતું અને ત્યાર બાદ પત્નીએ છૂટાછેડાની કાર્યવાહી શરૂ કરી હતી. એપ્રિલ 2013માં કપલના ડિવોર્સ થઇ ગયા હતા. છૂટાછેડા લીધાના છ મહિના પછી, મહિલાએ માનસિક ક્રૂરતાને ટાંકીને પતિ અને તેના માતાપિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
મહિલાની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને ચાર્જશીટ દાખલ કરી હતી. પતિએ ફોજદારી કાર્યવાહીને રદ કરવા દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી હતી. દિલ્હી હાઇ કોર્ટે તેની અરજી ફગાવી દેતા તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે પારિવારિક અદાલતે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તેમના ડિવોર્સ મંજૂર કર્યા હતા.
કોર્ટે નોંધ્યું હતું કે ફોજદારી કાર્યવાહી દ્વારા અલગ થયેલા દંપતી વચ્ચેના મતભેદોને જીવંત રાખવાનો કોઈ હેતુ નથી. આ એવો કેસ હતો જેમાં સુપ્રીમ કોર્ટને છૂટાછેડા પછી વ્યક્તિને બિનજરૂરી સતામણીથી બચાવવાની જરૂર જણાઇ હતી. કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે ડિવોર્સ પછી મહિલા પૂર્વ પતિ વિરુદ્ધ ક્રૂરતાનો કેસ દાખલ કરી શકે નહીં.