“ઘરેલુ હિંસા કાયદામાં નહિ ચાલે હિંદુ-મુસ્લિમ” સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું- દરેકને પડશે લાગુ
નવી દિલ્હી: જસ્ટિસ બી.વી. નાગરત્નાની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેન્ચે નિર્ણય કર્યો કે 2005નો ઘરેલુ હિંસા કાયદો દેશીની તમામ મહિલાઓ પર લાગુ થાય છે. ભારતીય બંધારણમાં મહિલાઓને આપેલા અધિકારોને આ કાયદાઓ રક્ષણ પૂરું પાડે છે અને તમામ મહિલાઓને સમાનરૂપે લાગુ પડે છે. આ કાયદો સિવિલ એક્ટની જેમ જ ભારતની તમામ મહિલાઓને લાગુ પડે છે. આ કાયદાને મહિલાઓના ધર્મ કે સમુદાયથી કોઈ ફરક પડતો નથી અને આ તમામ ધર્મો અને સમુદાયોની મહિલાઓને લાગુ પડે છે.
શું હતો સમગ્ર મામલો?
એક મહિલા દ્વારા કર્ણાટક હાઈકોર્ટના આદેશને સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો. હકીકતે મહિલાએ ફેબ્રુઆરી 2015માં ઘરેલુ હિંસા એક્ટ હેઠળ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભરણપોષણ ભથ્થા માટે અરજી કરી હતી. મેજિસ્ટ્રેટ કોર્ટે અરજી સ્વીકારી હતી અને 1 લાખ રૂપિયાનું વળતર અને 2,000 રૂપિયા પ્રતિ માસ ભરણપોષણ ભથ્થું આપવાનો આદેશ કર્યો હતો. આ નિર્ણયને મહિલાના પતિએ પડકાર્યો હતો. અપીલ કોર્ટે વિલંબના આધાર પર અરજી ફગાવી દીધી હતી.
ત્યારબાદ પતિએ ફરી અપીલ દાખલ કરી હતી ત્યારે કોર્ટે પતિની અરજી સ્વીકારી હતી. અપીલ કોર્ટે આ કેસને નીચલી કોર્ટના મેજિસ્ટ્રેટને મોકલ્યો અને તેના પર પુનર્વિચાર કરવા કહ્યું. મહિલાએ આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. હાઈકોર્ટે આ કેસને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટને ઘરેલુ હિંસા એક્ટની કલમ 25 હેઠળ મહિલાના પતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પુનર્વિચાર કરવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ડીવી એક્ટની કલમ 25 હેઠળ અરજી દાખલ કરી શકાય છે, પરંતુ આ અરજી ત્યારે જ દાખલ કરી શકાય છે જ્યારે સંજોગોમાં ફેરફાર થયો હોય. સંજોગોમાં બદલાવ પછી હુકમમાં ફેરફાર માટે અરજી દાખલ કરી શકાય છે. અહીં સંજોગોમાં ફેરફાર એટલે આવકમાં ફેરફાર વગેરે. તેનો અર્થ એ કે જ્યારે સંજોગોમાં ફેરફાર થાય ત્યારે કલમ 25 (2) નો ઉપયોગ કરી શકાય છે.