
નવી દિલ્હીઃ કોમેડિયન સમય રૈનાના youtube શો ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર કરવામાં આવેલી હતી અશ્લીલ ટિપ્પણીઓ અંગેનો વિવાદ હજી ચાલુ છે. રણવીર અલાહબાદિયાના વિરોધમાં નોંધાયેલી અનેક એફઆઈઆરને એક સાથે જોડવાની માંગણી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હતી. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન. કોટીશ્વર સિંહની બેંચમાં આ સુનાવણી થઇ હતી. શુક્રવારે ભૂતપૂર્વ સીજેઆઈ ડી વાય ચંદ્રચૂડના પુત્ર અભિનવ ચંદ્રચૂડે સુપ્રીમ કોર્ટમાં આ કેસને તાત્કાલિક સૂચિબદ્ધ કરવાની માંગ કરી હતી.
Also read : 6G ટેકનોલોજી મુદ્દે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કરી મોટી જાહેરાત, ઇન્ટરનેટની સ્પીડ આટલી વધશે
સુપ્રીમ કોર્ટે આપી તીખી પ્રતિક્રિયાઃ-
સુપ્રીમ કોર્ટે રણવીર અલાહબાદિયાની અરજીની સુનાવણી દરમિયાન તેને સખત ઠપકો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેના મનમાં ગંદકી ભરેલી છે. આવા વ્યક્તિનો કેસ કેમ સાંભળવો જોઇએ, એવો સવાલ કોર્ટે કર્યો હતો અને જણાવ્યું હતું કે, લોકપ્રિય હોવાનો અર્થ એવો નથી કે તમે માતા-પિતાનું અપમાન કરી શકો છો.
આ વિકૃત માનસિકતાનું પ્રદર્શન છે, જે સમગ્ર સમાજ માટે શરમજનક છે. સુપ્રીમ કોર્ટે રણવીરને તેનો પાસપોર્ટ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ આપતા જણાવ્યું હતું કે તે કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકશે નહીં. સુનાવણી પૂરી નહીં થાય ત્યાં સુધી રણવીર કે તેના સાથીઓ કોઇ શો કરી શકશે નહીં.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આવા વિવાદોમાં કોર્ટમાંથી રાહત મેળવવી સરળ નથી. આવા નિવેદનો સમાજમાં ખોટો સંદેશો ફેલાવે છે.
શું છે આખો કેસ?:-
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શોમાં રણવીર અલાહબાદિયા એક ગેસ્ટ જજ તરીકે આવ્યો હતો. આ શો દરમિયાન તેણે એક સ્પર્ધકને તેના માતા પિતાની સેક્સ લાઈફ વિશે અશ્લીલ સવાલ પૂછ્યો હતો અને કમેન્ટ કરી હતી. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોને તે અપમાનજનક લાગ્યો હતો અને લોકોએ તેની ટીકા શરૂ કરી હતી. અનેક રાજ્યોમાં રણવીર વિરુદ્ધ એફઆઇઆર થઇ હતી તેના વિવાદાસ્પદ નિવેદનથી સોશિયલ મીડિયા પર અને ટીવી શોના દર્શકોમાં રોષ ફેલાયો હતો. વિવાદ વધ્યા બાદ રણવીરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને માફી માંગી હતી અને નિર્માતાઓને વીડિયોના વિવાદાસ્પદ ભાગને દૂર કરવા વિનંતી કરી હતી. જોકે, કોર્ટે તેને ગંભીર મુદ્દો પણ ગણ્યો હતો અને કડક પગલાં લીધા હતા.
ભારે વિવાદ થયા બાદ સમય રૈનાએ પણ જાહેરમાં માફી માંગી હતી અને જણાવ્યું હતું કે તેણે ‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ના બધા વીડિયો દૂર કરી દીધા છે. તેનો ઉદ્દેશ માત્ર લોકોને હસાવવાનો અને મજા કરાવવાનો છે. તેણે બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી.
Also read : રણવીર અલ્હાબાદિયાનો કેસ લડનાર યુવાન વકીલ કોણ છે તે જાણો છો ?
રણવીર અલાહબાદિયા કોણ છે?
રણવીર અલાહબાદિયા જાણીતો youtuber અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તેની youtube ચેનલનું નામ બિયરબાઇસેપ્સ છે જેના પર તે પોડકાસ્ટ ચલાવે છે. તેના પોડકાસ્ટ પર ઘણા બોલીવુડ સ્ટાર્સ, સેલિબ્રિટીઝ, અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જોવા મળે છે. તેની ચેનલ લાઇફસ્ટાઇલ, ફિટનેસ અને પ્રેરણાદાયી બાબતો શેર કરવા માટે જાણીતી છે પરંતુ માતા-પિતા પરની તેની કમેન્ટ બાદ થયેલા વિવાદે તેની છબીને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. તેનો સોશિયલ પ્રભાવ ઘણો મોટો છે પરંતુ, આ વિવાદથી એ પણ જાણવા મળ્યું છે કે સમાજ પર પ્રભાવ ધરાવતા હોવા છતાં આવા ઇન્ફ્લુએન્સરે તેમની જવાબદારી અને સંવેદનશીલતાનું ધ્યાન રાખવું જોઈએ.