નેશનલ

સુપ્રીમ કોર્ટે વિદેશી નાગરિકની શરણાર્થીની અરજી ફગાવી, કહ્યું ભારત કોઈ ધર્મશાળા નથી…

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓને લઈને એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી કે જ્યાં વિશ્વભરથી આવતા વિદેશી નાગરિકોને આશરો આપી શકાય. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ શ્રી લંકાથી આવેલા તમિલ શરણાર્થીને કસ્ટડીમાં લેવાના કેસમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરતી વખતે આ વાત કહી હતી.

સુપ્રીમ કોર્ટમાં શ્રીલંકાના એક નાગરિકની કસ્ટડી વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજીમાં દખલ કરવાનો ઇનકાર કરી દીધો. બેન્ચ મદ્રાસ હાઈ કોર્ટના આદેશને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં નિર્દેશ આપવામાં આવ્યો હતો કે અરજદારને UAPA કેસમાં લગાવવામાં આવેલી 7 વર્ષની સજા પૂરી થતાં જ તરત જ ભારત છોડી દેવું જોઈએ.

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો! બાંગ્લાદેશથી આવેલા લોકોને મળેલી નાગરિકતા યોગ્ય

2015માં કરવામાં આવી હતી ધરપકડ

આ શ્રીલંકન નાગરિકની 2015માં લિબરેશન ટાઇગર્સ ઓફ તમિલ ઇલમ (LTTE) સાથે કથિત સંબંધો હોવાના શકના આધારે ધરપકડ કરવામાં આવી હતી. LTTE એક સમયે શ્રીલંકામાં સક્રિય આતંકવાદી સંગઠન હતું. અરજદારને ગેરકાયદે પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (UAPA) અને વિદેશી અધિનિયમ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે. તે ભારતમાં શરણાર્થી શિબિરમાં એ આધાર પર રહેવા માંગતો હતો કે જો તેને શ્રી લંકા પાછો મોકલવામાં આવશે તો તેને મારી નાખવામાં આવશે.

ભારતમાં શરણાર્થી નીતિ અંગે એક મહત્વપૂર્ણ સંદેશ

બેન્ચે આ દલીલ પર વિચાર કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો કે જો વ્યક્તિને તેના દેશમાં પાછો મોકલવામાં આવશે તો તેના ‘જીવનને જોખમ’ થશે. બેન્ચે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, તો કોઈ અન્ય દેશમાં ચાલ્યા જાઓ. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા ભારતમાં શરણાર્થી નીતિ અંગે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. કોર્ટે ભારતના સંસાધનો અને વસ્તીનો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું છે કે દેશ અમર્યાદિત સંખ્યામાં વિદેશી નાગરિકોને આશરો આપી શકે તેમ નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button