અરુણ ગવળીને ફટકોઃ સુપ્રીમ કોર્ટે જામીનની અરજી ફગાવી

નવી દિલ્હીઃ ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અરુણ ગવળીને હત્યાકેસમાં જામીન આપવાનો સુપ્રીમ કોર્ટે આજે ઇનકાર કર્યો હતો. હાલમાં ગવળી જેલમાં જનમટીપની સજા ભોગવી રહ્યા છે.
મુંબઈમાં શિવસેનાના નગરસેવક કમલાકર જામસાંદેકરની હત્યાના કેસમાં 2007થી ગવળી જેલમાં છે. તેમણે કોર્ટમાં દાવો કર્યો હતો કે તેઓ 2006ની સજા ઓછી કરવાની નીતિની તમામ શરતોનું પાલન કર્યું છે.
આમ છતાં સુપ્રીમ કોર્ટે ગવળીની અરજી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બોમ્બે હાઇ કોર્ટે અગાઉ તેમની જામીનની અરજી ફગાવી દીધી હતી. તેથી તેમને સુપ્રીમ કોર્ટમાં ધા નાખી હતી.
આ પણ વાંચો : અરુણ ગવળીને વહેલો નહીં છોડાય: સુપ્રીમ કોર્ટ
બોમ્બે હાઇ કોર્ટની નાગપુર બેન્ચે ગવળીને સાતમી જાન્યુઆરીના 29 દિવસના ફરલો મંજૂર કર્યા હતા. ત્યાર બાદ ગવળીએ ફરી નાગપુર બેન્ચ પાસે મુક્ત કરવાની વિનંતી કરી હતી, કારણ કે ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (ડીઆઇજી) જેલ, (ઇસ્ટ ડિવિઝન) નાગપુરે તેમની અરજી ફગાવી દીધી હતી.
નગરસેવકની હત્યા માટે 2006માં ગવળીની ધરપકડ કરાઇ હતી અને 2012માં સેશન્સ કોર્ટે તેમને જનમટીપની સજા ફટકારી હતી અને 17 લાખ રૂપિયાનો દંડ કર્યો હતો.