નેશનલ

PM મોદીની કથિત ‘હેટ સ્પિચ’ સામે કરાયેલી અરજી સુપ્રિમે ફગાવી, અરજીકર્તાઓને કર્યું આ સૂચન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ નફરત ફેલાવતા ભાષણો કર્યો હતા, જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી પણ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે મંગળવારે (14 મે)ના રોજ સુનાવણી થઈ હતી,ચૂંટણી દરમિયાન PM નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓના કથિત ‘દ્વેષપૂર્ણ ભાષણ’ (Hate Speech) વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીઓને ફગાવી દીધી હતી.

ભૂતપૂર્વ અમલદાર EAS શાહ અને ફાતિમા નામના અરજદારે તેમની અરજીમાં ચૂંટણી પંચને PM મોદી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી હતી. 21 એપ્રિલે રાજસ્થાનના બાંસવાડામાં વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા ચૂંટણી ભાષણ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને સતીશ ચંદ્ર શર્માની બેંચે અરજદારોના વકીલને કહ્યું કે આ એવો વિષય નથી કે જેના માટે સીધી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવે. અરજદારે ચૂંટણી પંચ સમક્ષ પોતાનો અભિપ્રાય રજૂ કરવો જોઈએ. બેન્ચે આ બાબતે વિચારણા કરવાની અનિચ્છા વ્યક્ત કરી હતી, જેના પગલે અરજદારે અરજી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદ અરજી પાછી ખેંચી લેવામાં આવી હતી.

લાઈવ લો રિપોર્ટ અનુસાર, સુનાવણી દરમિયાન અરજીકર્તાના વકીલે કહ્યું, “મેં પીએમ મોદી દ્વારા આપવામાં આવેલા ભાષણો જોડ્યા છે, જેમાં તેમણે સ્પષ્ટપણે ભગવાનના નામ પર વોટ માંગ્યા છે.” જસ્ટિસ નાથે કહ્યું કે અરજદારે ચૂંટણી પંચનો સંપર્ક કર્યા વિના જ સીધો કોર્ટનો સંપર્ક કર્યો છે. ન્યાયાધીશે વધુમાં કહ્યું, “આ રીતે કલમ 32/226 હેઠળ ન આવો. તમારે ઓથોરિટીનો સંપર્ક કરવો પડશે. જો તમે અરજી પાછી ખેંચવા માંગતા હોવ તો અમે તમને મંજૂરી આપીશું.”

સુપ્રીમ કોર્ટની ટિપ્પણી પછી, અરજદાર અરજી પાછી ખેંચવા માટે સંમત થયા હતા, પરંતુ ચૂંટણી પંચનો સંપર્ક કરવાની પરવાનગી માંગી હતી. આના પર કોર્ટે કહ્યું, “અમે (પરમિશન) શા માટે આપીએ? આ તમારૂ કામ છે, તમારી સમસ્યા છે.” કોર્ટે PM મોદી અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સામે કથિત દ્વેષપૂર્ણ ભાષણો માટે કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચને નિર્દેશ માંગતી બીજી અરજી પણ ફગાવી દીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button