ટોપ ન્યૂઝનેશનલ

હિંડનબર્ગ કેસની વધુ સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) હિંડનબર્ગ (Hindenburg case) અને અદાણી ગ્રુપ (Adani Group) સંબંધિત કેસની વધુ સુનાવણી કરવાનો ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સુનાવણી માટે દાખલ કરવામાં આવેલી અરજીને પણ ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ મામલાની તપાસની માંગણી કરતી અરજી દાખલ કરી હતી, પરંતુ 5 ઓગસ્ટ, 2024ના રોજ સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે તેને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો: કવર સ્ટોરી : હિંડનબર્ગનો આમ અચાનક સંકેલો કેમ?

અરજીનો રજિસ્ટ્રારે કર્યો હતો અસ્વીકાર
હિંડનબર્ગ દ્વારા અદાણી ગ્રુપ સામે લગાવવામાં આવેલા આરોપો પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ને તેનો નિર્ણાયક તપાસ અહેવાલ રજૂ કરવા નિર્દેશ આપવા માટે એક અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ આ અરજીને સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

આ મામલે સુનાવણીનો ઇનકાર
જો કે, હવે કોર્ટે આ આ કેસમાં આગળની સુનાવણી કરવા ઇનકાર કરી દીધો છે અને રજિસ્ટ્રારના નિર્ણયને સાચી ગણાવીને કોર્ટે આ મામલે વધુ સુનાવણી કરવાનો ઇનકાર કર્યો અને અરજી ફગાવી દીધી છે. એટલું જ નહીં, કોર્ટે અરજદારને એ પણ પૂછ્યું કે તેના પર કેટલો દંડ લાદવો જોઈએ.

હિંડનબર્ગને બંધ કરવાની જાહેરાત
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા અમેરિકા સ્થિત શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચને બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ વાતની જાહેરાત તેના સ્થાપક નેટ એન્ડરસને પોતે કરી હતી. નેટ એન્ડરસને હિન્ડનબર્ગ વેબસાઇટ પર એક નોંધ લખીને કહ્યું કે મેં હિંડનબર્ગ રિસર્ચને સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. અમે જે વિચારો પર કામકાજ કરી રહ્યા હતા તે પૂર્ણ કર્યા પછી પ્રોજેક્ટ બંધ કરવાની યોજના છે.

શું થયો હતો વિવાદ?
અમેરિકા સ્થિત હિંડનબર્ગ રિસર્ચે 24 જાન્યુઆરી, 2023ના રોજ અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ બહાર પાડ્યો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રુપ સામે મની લોન્ડરિંગથી લઈને શેરના ભાવ વધારવા સુધીના અનેક આરોપો મૂકવામાં આવ્યા હતા. આ રિપોર્ટ બહાર આવ્યા બાદ તેની ખરાબ અસર અદાણી ગ્રુપના શેરમાં જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button