‘પ્રદૂષણને રોકવા શું પગલા લીધા?’- દિલ્હી-NCR સહિત આ 5 રાજ્યોને સુપ્રીમનો સવાલ
નવી દિલ્હી: દેશમાં શિયાળાની ઋતુ શરૂ થાય એટલે જાણે એ પ્રદૂષણની ઋતુ હોય તેમ મોટાભાગના ઉત્તર ભારતના રાજ્યોમાં વાતાવરણ ઝેરીલું બની જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હી-NCRમાં પ્રદૂષણની સમસ્યાએ માથું ઉંચક્યું છે, અને દિલ્હી બાદ હવે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં પણ પ્રદૂષણને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઇ રહ્યા છે. સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના મુદ્દે એક મહત્વપૂર્ણ નિવેદનમાં જણાવ્યું છે કે દિલ્હીનો AQI બેહદ ખરાબ સ્થિતિમાં છે. અમે આવનારી પેઢીઓ માટે ચિંતિત છીએ. તેમના પર આ વાતાવરણની ખરાબ અસર થશે.
આજે દિલ્હીની સ્થિતિ એવી છે કે ઘરથી બહાર નીકળવાનું પણ મુશ્કેલ છે. દાયકાઓ પહેલા દિલ્હીમાં શિયાળાનો સમય આહ્લાદક બની રહેતો હતો. હવે સંજોગો બદલાઇ ગયા છે.
આ સાથે જ સુપ્રીમ કોર્ટે દિલ્હી સહિત અન્ય 4 રાજ્યો જેમ કે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશની સરકારોને પણ સવાલો કર્યા હતા. ન્યાયાધીશે પૂછ્યું હતું કે વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે તેમણે શું પગલા લીધા છે? તમામ પાંચ સરકારોએ એક અઠવાડિયાની અંદર સોગંદનામું દાખલ કરવું તેવો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. આ મામલે આગળની સુનાવણી 7 નવેમ્બરે યોજાશે.
સુપ્રીમ કોર્ટમાં એર ક્વોલિટી મેનેજમેન્ટ ઓથોરિટીએ તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે પ્રદૂષણને રોકવા પૂરતા પગલા લેવામાં આવ્યા છે. વાયુ પ્રદૂષણની સમસ્યા દર વર્ષે ઉભી થાય છે, તેને રોકવાની કામગીરી થાય છે પરંતુ AQIમાં કોઇ ફેરફાર જોવા નથી મળતો.
સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે પ્રદૂષણની હાલની સ્થિતિ શું છે, AQI શું છે? તમામ કામગીરી ફક્ત પેપર પર છે પરંતુ જમીની હકીકત અલગ છે, તેવું સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું.
કેન્દ્ર સરકારે જવાબમાં સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે અમે પ્રદૂષણ રોકવા માટે પગલા ઉઠાવ્યા છે પરંતુ આજે હાલત ખરાબ છે. પ્રદૂષણના મુદ્દે દાખલ કરેલા અહેવાલમાં છેલ્લા 3 વર્ષની અને હાલની સ્થિતિ અંગે જણાવવામાં આવ્યુ છે. પ્રદૂષણના ઉદ્ભભવના કારણો અંગે પણ જણાવવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે પરાળી બાળવાની ઘટનાઓમાં વધારો થયો છે, પરંતુ ગત વર્ષની તુલનામાં આ ઘટનાઓ 40 ટકા ઘટી છે.