નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)મસ્જિદમાં ‘જય શ્રી રામ’ ના નારા લગાવવા માટે નોંધાયેલ કેસને રદ કરવા સામેની અરજી પર કર્ણાટક સરકારને નોટિસ આપવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે અરજીકર્તાને અરજીની નકલ કર્ણાટક સરકારને સોંપવા કહ્યું છે. રાજ્ય સરકાર પાસેથી માહિતી લીધા બાદ તેઓ જાન્યુઆરીમાં આ મામલે સુનાવણી કરશે.આ મામલો દક્ષિણ કન્નડ જિલ્લાનો છે. જેમાં બે લોકો મસ્જિદમાં ઘૂસી ગયા હતા અને ‘જય શ્રી રામ’ના નારા લગાવ્યા હતા.જ્યારે આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો ત્યારે કોર્ટે તેને રદ કર્યો હતો. આ પછી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
કર્ણાટક સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો
કર્ણાટકના દક્ષિણ કન્નડ જિલ્લાના કડાબા તાલુકાના રહેવાસી અરજદાર હૈદર અલી તરફથી વરિષ્ઠ વકીલ દેવદત્ત કામત હાજર થયા હતા. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે શરૂઆતમાં પૂછ્યું – ‘આ કેવી રીતે ગુનો છે?’ તેના પર અરજદારના વકીલે કહ્યું કે, જો એક સમુદાયના ધાર્મિક સ્થળ પર બીજા સમુદાયના નારા લગાવવાની પરવાનગી આપવામાં આવશે તો તેનાથી સાંપ્રદાયિક વિવાદ થશે. આ પછી હૈદર અલી નામની વ્યક્તિની અરજી પર કર્ણાટક સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો.
સીઆરપીસી ની કલમ 482નો દુરુપયોગ થયો
વકીલ દેવદત્ત કામતે વધુમાં કહ્યું કે આ કેસમાં સીઆરપીસીની કલમ 482નો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ કેસની તપાસ પૂર્ણ થાય તે પહેલા જ હાઈકોર્ટે એફઆઈઆર રદ કરી હતી. આના પર ન્યાયાધીશોએ કહ્યું કે તેમને જોવું પડશે કે આરોપીઓ સામે કયા પુરાવા છે અને પોલીસે તેમના રિમાન્ડ માંગતી વખતે નીચલી અદાલતને શું કહ્યું હતું.
Also Read – Supreme Court એ યુવાનોને આપી આ સલાહ, કહ્યું નશાનો મતલબ ..
હાઇકોર્ટ ફોજદારી કાર્યવાહી રદ કરી
13 સપ્ટેમ્બરના રોજ, હાઇકોર્ટે મસ્જિદમાં ‘જય શ્રી રામ’ના નારા લગાવનારા બે લોકો – કીર્તન કુમાર અને સચિન કુમાર – વિરુદ્ધ ફોજદારી કાર્યવાહીને રદ કરી દીધી હતી. આ બંને વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 447, 295 – એ અને 506 હેઠળ ગેરકાયદે પ્રવેશ, ધાર્મિક સ્થળોએ ઉશ્કેરણીજનક કૃત્યો કરવા અને ધમકી આપવાનો કેસ નોંધવામાં આવ્યો હતો.
પરંતુ હાઈકોર્ટના જસ્ટિસ નાગપ્રસન્નાની બેંચે કહ્યું હતું કે આ વિસ્તારમાં લોકો સાંપ્રદાયિક સૌહાર્દથી જીવી રહ્યા છે. 2 લોકો દ્વારા કેટલાક નારા લગાવવાને બીજા ધર્મનું અપમાન ન કહી શકાય. જેના આધારે હાઈકોર્ટે એફઆઈઆર રદ કરી હતી.