હોર્ડિંગ પડવા જેવી દુર્ઘટના અંગે સાવચેતી રાખવા સુપ્રીમ કોર્ટનો નિર્દેશ
નવી દિલ્હી: મુંબઈ શહેરમાં હોર્ડિંગ પડવા જેવી દુર્ઘટના ફરી ન બને એવી સાવચેતી રાખવા સુપ્રીમ કોર્ટે શુક્રવારે રેલવે અને મુંબઈ મહાનગરપાલિકાને જણાવ્યું હતું. મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ, 1988ની કેટલીક જોગવાઈ લાગુ કરવાની ક્ષમતા અંગે પાલિકા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે ન્યાયમૂર્તિ સંજય કુમાર અને ન્યાયમૂર્તિ પી. બી. વરાળેની ઉનાળુ રજાની ખંડપીઠે નિર્દેશ જારી કર્યા હતા. ગયા મહિને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ પડી જવાની દુર્ઘટનાની અદાલતે નોંધ લીધી હતી. આ દુર્ઘટનામાં 16 જણના મૃત્યુ થયા હતા. આગામી સુનાવણી માટે 14 જૂનનો દિવસ નક્કી કરતા પહેલા અદાલતે જણાવ્યું હતું કે ‘રેલવે સહિત સંબંધિત દરેક પક્ષને હોર્ડિંગ સંબંધિત કોઈ દુર્ઘટના ન બને એ માટે રેલવેની જમીન હોય કે પાલિકાની જમીન, જરૂરી પગલાં લેવાની તાકીદ કરવામાં આવે છે.’
આ પણ વાંચો : ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટના સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પાંચ દિવસની પોલીસ કસ્ટડી
ઘાટકોપરના એક પેટ્રોલ પંપ નજીકનું 120 x 120 ચોરસ ફૂટનું હોર્ડિંગ ધૂળની ડમરી ઉડતા અને કમોસમી વરસાદમાં 13મી મેના દિવસે તૂટી પડ્યું હતું. દુર્ઘટનામાં 13 વ્યક્તિ મૃત્યુ પામી હતી જ્યારે 75થી વધુ લોકોને ઈજા થઈ હતી.