સુપ્રીમ કોર્ટના જજે કેમ કહ્યું કે ભગવાનનો આભાર આપણી પાસે જસ્ટિસ વેંકટેશ જેવા ન્યાયાધીશો છે
નવી દિલ્હી: તમિલનાડુ સરકારના પ્રધાન પોનમુડી અને તેમની પત્નીને અપ્રમાણસર સંપત્તિના કેસમાં CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બેંચે મદ્રાસ હાઈ કોર્ટના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. આ કેસના ખાસ બાબત તો એ છે કે હાઈ કોર્ટે સુઓ મોટો દખલ કરીને પોનમુડી વિરુદ્ધ ટ્રાયલ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
સ્ટાલિન સરકારમાં ઉચ્ચ શિક્ષણ પ્રધાન પોનમુડીએ આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે હાઈ કોર્ટના આદેશની પ્રશંસા કરી અને તેમાં દખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. CJIએ કહ્યું હતું કે ભગવાનનો આભાર કે અમારી પાસે હાઈકોર્ટમાં જસ્ટિસ આનંદ વેંકટેશ જેવા જજ છે. નોંધનીય છે કે મદ્રાસ હાઈ કોર્ટના ન્યાયાધીશ આનંદ વેંકટેશે ઓગસ્ટમાં તમિલનાડુ સરકારના ઉચ્ચ શિક્ષણ પ્રધાન સામેના કેસમાં સુઓ મોટો દાખલ કરીને કહ્યું હતું કે પોનમુડીનો કેસ વેલુપુરમ જિલ્લા ન્યાયાધીશથી વેલ્લોર જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કરવો ગેરકાયદેસર છે આથી આ કેસ ફક્ત હાઇ કોર્ટમાં જ ચાલશે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડે પણ આ રીતે કેસને એક જિલ્લા ન્યાયાધીશથી બીજામાં ટ્રાન્સફર કરવા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ટ્રાયલ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રાન્સફર કરવામાં આવે એ એકદમ ખોટી બાબત છે પહેલા ટ્રાયલ ટ્રાન્સફર કરવામાં આવી અને પછી તરત જ દોષીને છોડી મૂકવામાં આવ્યો અને સાવ ખોટી રીતે થયેલી કાર્યવાહી છે.