કેસીઆરની પુત્રી કે કવિતા ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારશે
નવી દિલ્હીઃ દિલ્હી લીકર પોલિસી કેસમાં બીઆરએસ નેતા કે કવિતાની ધરપકડ સંબંધે એક મહત્વનું અપડેટ આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 45 વર્ષીય બીઆરએસ નેતા કે કવિતાએ તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. તેમના વકીલોએ આ કેસની તાત્કાલિક સુનાવણીની પણ માંગણી કરી છે. બીઆરએસના નેતા કવિતાના વકીલોએ એવો દાવો કર્યો છે કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના વચગાળાના હુકમને ધ્યાનમાં રાખીને દ્વારા કવિતાની ધરપકડ કરી શકાય નહીં.
કેન્દ્રીય તપાસ એજન્સી ઇડી દ્વારા કે કવિતાની હૈદરાબાદના બંજારા હિલ્સ ખાતેના તેમના નિવાસ્થાને વહેલી સવારે સર્ચ કર્યા પછી સાંજે 5:20 કલાકે ધરપકડ કરવામાં આવી હતી. ઇડીના અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે તેમના પતિ dr. અનિલ કુમારને તેમની ધરપકડ વિશે જાણ કરી દેવામાં આવી છે. એજન્સી સૂત્રોના જણાવ્યા અનુસાર બીઆરએસ નેતાને દિલ્હી લીકરપોલિસી કેસમાં પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે દિલ્હી લિકર પોલિસી કેસના એક આરોપી અમિત અરોરાની ઈડી દ્વારા પૂછપરછ દરમિયાન BRS નેતા કે. કવિતાનું નામ સામે આવ્યું હતું. આ પછી તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ આરોપ લગાવ્યો હતો કે સાઉથ ગ્રૂપ નામની એક લિકર લોબી હતી, જેણે અન્ય આરોપી વિજય નાયર દ્વારા આમ આદમી પાર્ટી (AAP)ના કેટલાક નેતાઓને 100 કરોડ રૂપિયા સુધીની ચૂકવણી કરી હતી.