‘વિધવા મેકઅપ કેમ ન કરી શકે?’ સુપ્રીમ કોર્ટે હત્યા કેસમાં HCની ટિપ્પણી સામે વાંધો ઉઠાવ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દેશની હાઈ કોર્ટ્સ દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટીપ્પણીઓ સામે વાંધો ઉઠાવતી રહે છે. તાજેતરમાં SCએ કર્ણાટક હાઈકોર્ટના જજે કરેલી ટીપ્પણીની કડક શબ્દોમાં નિંદા કરી હતી. ગઈ કાલે SCએ પટના હાઈ કોર્ટની ટિપ્પણી સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. પટના હાઈ કોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે વિધવા મહિલાને મેકઅપની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે બુધવારે 1985ના એક અપહરણ અને હત્યા કેસમાં પટના હાઈ કોર્ટ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને અત્યંત વાંધાજનક ગણાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી ટિપ્પણી કોર્ટ પાસેથી અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતા સાથે સુસંગત નથી.
મહિલાના અપહરણ અને હત્યા કેસમાં હાઇ કોર્ટના ચુકાદા સામે દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
1985ના આ કેસમાં, કથિત રીતે એક મહિલાનું તેના પિતાનું ઘર કબજે કરવા માટે કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. હાઈકોર્ટે આ કેસમાં પાંચ લોકોની સજાને યથાવત રાખી હતી અને અન્ય બે સહ-આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને ફગાવી દીધો હતો. હાઈકોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા અને તમામને આજીવન કેદની સજા ફટકારી હતી.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મહિલા તે ઘરમાં રહેતી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી જ્યાંથી તેનું અપહરણ કરવામાં આવ્યું હોવાનું કહેવાય છે. બેન્ચે કહ્યું કે હાઈ કોર્ટને ત્યાંથી કોઈ કપડાં, ચપ્પલ કે કોઈ અંગત વસ્તુના પુરાવા મળ્યા નથી, જેનાથી સાબિત થઈ શકે કે ઘર પીડિતાનું હતું. મહિલાના મામા અને અન્ય સંબંધી અને તપાસ અધિકારીની જુબાનીના આધારે હાઈકોર્ટ એવા તારણ પર આવી કે તે એ જ ઘરમાં રહેતી હતી. જો કે, અન્ય એક વિધવા મહિલા પણ ઘરના આ જ ભાગમાં રહેતી હતી અને જ્યારે મેક-અપની વસ્તુઓ મળી આવી ત્યારે હાઈ કોર્ટે કહ્યું હતું કે આ વસ્તુઓ વિધવા મહિલાની નથી કારણ કે તેને તેની જરૂર નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘અમારા મતે, હાઈકોર્ટની ટિપ્પણીઓ ન માત્ર કાયદાકીય રીતે અક્ષમ્ય છે પરંતુ તે અત્યંત વાંધાજનક પણ છે. આવી સ્પષ્ટ ટિપ્પણીઓ કાયદાની અદાલતની અપેક્ષિત સંવેદનશીલતા અને તટસ્થતાને અનુરૂપ નથી, ખાસ કરીને જ્યારે તે સાબિત કરવા માટે રેકોર્ડ પર કોઈ પુરાવા નથી.’
સુપ્રીમ કોર્ટની વેંચે કહ્યું કે પીડિતાનું મૃત્યુ ઓગસ્ટ 1985માં મુંગેર જિલ્લામાં થયું હતું અને તેના સંબંધીએ રિપોર્ટ નોંધાવ્યો હતો કે સાત લોકોએ તેના ઘરેથી તેનું અપહરણ કર્યું હતું. એફઆઈઆર નોંધવામાં આવી હતી અને બાદમાં સાત આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે પાંચ આરોપીઓને હત્યા સહિતના ગુનામાં દોષિત ઠેરવ્યા હતા, જ્યારે અન્ય બેને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા હતા.
સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે, રેકોર્ડ પર એવો કોઈ સીધો પુરાવો નથી કે જે સાબિત કરે કે આરોપીએ હત્યા કરી છે. સુપ્રીમ કોર્ટે તમામ સાત આરોપીઓને આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યા હતા અને નિર્દેશ આપ્યો હતો કે જો તેઓ કસ્ટડીમાં હોય તો તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.