નવી દિલ્હી: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)એ આપેલો ઈલેક્ટોરલ બોન્ડ અંગેનો ડેટા ચૂંટણી પંચ(Election Comission)એ તેની વેબ સાઈટ પર જાહેર કરી દીધો છે. આજે ઈલેક્ટોરલ બોન્ડ કેસ(Electoral Bonds Case) અંગે સુપ્રીમ કોર્ટમાં વધુ સુનાવણી થઇ હતી, સુપ્રીમ કોર્ટે ફરી એક વાર SBIને નોટિસ પાઠવી છે.
સુપ્રીમ કોર્ટે નોટિસમાં પૂછ્યું છે કે સ્પષ્ટ આદેશ હોવા છતાં બોન્ડ નંબર કેમ જાહેર કરવામાં આવ્યા નથી. બેંકે આલ્ફા ન્યુમેરિક નંબર કેમ જાહેર ન કર્યો? કોર્ટે SBIને બોન્ડ નંબર જાહેર કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે સીલબંધ કવરમાં રાખવામાં આવેલ ડેટા ચૂંટણી પંચને આપવામાં આવે. કોર્ટે કહ્યું કે ECની વેબ સાઈટ પર આ ડેટા અપલોડ કરવો જરૂરી છે.
દરમિયાન, ચૂંટણી પંચે કહ્યું કે તેણે વર્ષ 2019 પહેલા રાજકીય પક્ષોને મળેલા દાનની માહિતી સીલબંધ પરબિડીયામાં સુપ્રીમ કોર્ટને આપી હતી. તેની નકલ તેણે રાખી ન હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ડેટા ચૂંટણી પંચને પરત કરવામાં આવશે. પહેલા તેને સ્કેન કરવામાં આવશે અને તેની ડિજિટલ કોપી સુપ્રીમ કોર્ટ પાસે રાખવામાં આવશે. હવે આ કેસની આગામી સુનાવણી સોમવારે એટલે કે 18 માર્ચે થશે.
અગાઉ સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને રદ કરતી વખતે, કોર્ટે SBIને છેલ્લા 5 વર્ષમાં રાજકીય પક્ષોને મળેલા દાનની તમામ વિગતો ચૂંટણી પંચને સુપરત કરવા SBIનો નિર્દેશ આપ્યો હતો. તેમજ ચૂંટણી પંચને આ તમામ માહિતી તેની વેબસાઈટ પર અપલોડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ત્યાર બાદ ચૂંટણી પંચે તેના અમલીકરણ અંગેના આદેશમાં સુધારા અંગે કોર્ટમાં અરજી દાખલ કરી છે, તેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચૂંટણી પંચે દાખલ કરેલી અરજીમાં સુપ્રીમ કોર્ટે 11 માર્ચે આપેલા આદેશમાં સુધારો કરવાની માંગ કરી છે. અરજીમાં, આદેશના ઓપરેટિવ ભાગમાં કેટલીક સ્પષ્ટતા અથવા સુધારો માંગવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે જાહેર કરેલા ડેટા મુજબ, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા છે. જો કે, આપવામાં આવેલા ડેટામાં એ માહિતી આપવામાં આવી નથી કે કઈ કંપનીએ કઈ પાર્ટીને દાન આપ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બોન્ડ નંબર પરથી એ જાણી શકાશે કે કયા દાતાએ કઈ પાર્ટીને દાન આપ્યું છે.