ન્યૂઝક્લીકના સંપાદકને સુપ્રીમની રાહત, કહ્યું “ગેરકાયદેસર કરવામાં આવી હતી ધરપકડ”
નવી દિલ્હી : (Supreme Court granted bail to Newsclick editor) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચાનું કેન્દ્ર રહેલ ન્યૂઝક્લિક કેસમાં તેના સંપાદકને સુપ્રીમ કોર્ટમાથી રાહત મળી છે. સુપ્રીમે બુધવારે ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પૂરકાયસ્થની તાત્કાલિક મુક્તિનો આદેશ આપતા કહ્યું હતું કે તેમની ધરપકડ માટે લાગવાયેલા આરોપો પાયાવિહોણા છે. ગયા વર્ષે 3 ઓક્ટોબરે ચીન તરફી પ્રોપગેન્ડા ચલાવવાના આરોપ હેઠળ પ્રબીર પૂરકાયસ્થની UAPA (Unlawful Activities (Prevention) Act) અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી.
સુપ્રિમ ન્યાયમૂર્તિ બિ. આર. ગવઇ અને સંદીપ મહેતાની ખંડપીઠે ન્યૂઝક્લિકના એડિટરને તાત્કાલિક છોડવાનો હુકમ આપ્યો હતો. તેમણે પ્રબીરની ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી કારણ કે આ કેસમાં દિલ્લી પોલીસ આરોપીની રિમાન્ડ માટેની નકલ પૂરી પાડવામાં નિષ્ફળ ગઈ છે. દિલ્હી પોલીસે આ કેસ માટે ચાર્જશીટ દાખલ કરી હોવાથી સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટની શરતોને આધીન જામીન પર પ્રબીરને મુક્ત કરવાનો આદેશ આપી છે.
આ દરમિયાન પ્રબીર પૂરકાયસ્થના વકીલે જણાવ્યુ હતું કે, “આ એક ખૂબ મોટી રાહત છે, કારણ કે અમે પહેલેથી જ કહ્યું હતું કે આ ગેરકાયદેસર આરોપો લગાવવામાં આવ્યા હતા અને ધરપકડ પણ ગેરકાયદેસર રીતે જ કરવામાં આવી હતી. જેને હવે સુપ્રીમ કોર્ટે પણ માન્ય રાખી છે.”
શું હતો સમગ્ર બનાવ :
ગયા વર્ષે ઓગષ્ટ માહિનામાં ન્યુયોર્ક ટાઈમ્સે પ્રગટ કરેલા અહેવાલમાં એવા આરોપ કરવામાં આવેલા કે અમુક સમાચાર સંસ્થાઓ અમેરિકી અબજોપતિ નેવીલ રોય સિંઘમ પાસેથી ભંડોળ મેળવે છે અને તેના મારફતે તેઓ ચીનના પ્રોપગેંડા ફેલાવી રહ્યા છે. ન્યુયોર્ક ટાઈમ્સે ભારતની ન્યૂઝક્લિક સંસ્થા પર પણ આવી પ્રવૃતિમાં સંડોવાયેલી હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ તેમના પત્રકારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. તો ઓક્ટોબરમાં ન્યૂઝક્લિકના સંપાદક પ્રબીર પૂરકાયસ્થની ધરપકડ કરવામાં આવી હતી.