અમે બાળકને મારી શકીએ નહીંઃ સુપ્રીમનો ચૂકાદો
નવી દિલ્હીઃ 26 અઠવાડિયાના ગર્ભને સમાપ્ત કરવાની માગણી કરતી એક માતાએ ગર્ભપાતની પરવાનગી માંગતી અરજી પર સુપ્રીમ કોર્ટે સુનાવણી કરતા કહ્યું હતું કે બાળકને મૃત્યુદંડની સજા કેવી રીતે આપી શકાય? શું તમે બાળકને મારવા માંગો છો? તમે 26 અઠવાડિયા સુધી શું કરી રહ્યા હતા? તે સમયે કોઈ વિચાર ન હતો કે તે બાળકનો ઉછેર કરી શકશો નહીં. બાળકને આ રીતે મારી ન શકાય. ડોક્ટરોને ભ્રૂણહત્યા કરવા માટે કહી શકાય નહીં.
એક પરિણીત મહિલા, જે બે બાળકોની માતા છે, તેની 26 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપવી કે કેમ તે અંગેના કેસમાં મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની 3 જજોની બેંચે આ નિર્ણય આપ્યો હતો. કેન્દ્ર સરકારે પણ મહિલાને ગર્ભપાત કરાવવાની મંજૂરી રદ કરવાની અપીલ કરી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે 10 ઓક્ટોબરે તેના પર કામચલાઉ સ્ટે મૂકી દીધો હતો. આ પછી, 12 ઓક્ટોબરે અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ રીતે બાળકને મારી શકીએ નહીં. સુપ્રીમ કોર્ટે મહિલાને પુનર્વિચાર કરવાની અને તેની અરજી પાછી ખેંચવાની તક પણ આપી હતી, પરંતુ જ્યારે મહિલા પોતાની વાત પર અડગ રહી ત્યારે સુપ્રીમ કોર્ટની બેન્ચે અરજી ફગાવી દીધી હતી.
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળ ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની બનેલી બેંચ, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં મહિલાને ગર્ભપાત કરાવવાની પરવાનગી આપતો સુપ્રીમ કોર્ટના 9 ઓક્ટોબરના આદેશને પાછો ખેંચવાની માંગ કરતી કેન્દ્રની અરજી પર સુનાવણી કરી રહી હતી. AIIMSના મેડિકલ બોર્ડના એક ડૉક્ટરે 6 ઑક્ટોબરે મહિલાની તપાસ કરીને સર્વોચ્ચ અદાલતમાં રિપોર્ટ દાખલ કર્યા પછી આ મુદ્દો ઊભો થયો હતો, તેણે 10 ઑક્ટોબરે એક ઈ-મેલ મોકલ્યો હતો કે જો ગર્ભધારણ થાય તો ભ્રૂણના જીવિત રહેવાની પ્રબળ સંભાવના છે.
એક પરિણીત મહિલા, જે બે બાળકોની માતા છે, તેની 26 અઠવાડિયાની ગર્ભાવસ્થાને સમાપ્ત કરવાની મંજૂરી આપવી કે કેમ તે અંગેના કેસમાં કોર્ટની દુવિધા હતી. ગર્ભાવસ્થા અંગે મહિલાના અધિકારોની રક્ષા કરવી કે ગર્ભમાંના બાળકની રક્ષા કરવી. સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે ગર્ભસ્થ બાળકના અધિકારો છીનવી ન શકાય. જો મહિલાની અરજી સ્વીકારવામાં આવે તો તે ભ્રૂણહત્યા કરવા સમાન ગણાશે, જેને દેશમાં કાયદાકીય ગુનો જાહેર કરવામાં આવ્યો છે.
મહિલાએ ગર્ભપાત અંગેનો નિર્ણય વહેલો લેવો જોઇતો હતો. ગર્ભસ્થ બાળકને મોતની સજા ના આપી શકાય. સુપ્રીમ કોર્ટે મહિલાને પૂછ્યું કે શું તે બાળકને મારવા માંગે છે? આના જવાબમાં મહિલાના વકીલે કહ્યું હતું કે તેના અસીલ બાળકને મારવા નથી માંગતી, પરંતુ તે બાળકને જન્મ પણ આપવા નથી માગતી. કોર્ટે જણાવ્યું હતું કે આ જવાબ સંતોષકારક નથી. જો મહિલા યૌન શોષણ કે બળાત્કારનો ભોગ બની હોત તો મંજૂરી મળી શકી હોત, પરંતુ આ કિસ્સામાં તે આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે 26 અઠવાડિયાનો ગર્ભ સમાપ્ત કરવાની મહિલાની અરજી નકારી કાઢી હતી.