હેટ સ્પીચ મુદ્દે સુપ્રીમની મહત્વની ટિપ્પણી; કહ્યું નેતાઓ ખાટે છે રાજકીય લાભ…

નવી દિલ્હી: હેટ સ્પીચ મામલે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. ન્યાયાધીશ જસ્ટિસ એ. એસ. ઓકાએ શુક્રવારે કહ્યું કે ભારતમાં મોટાભાગની હેટ સ્પીચ ધાર્મિક લઘુમતીઓ અથવા દલિત વર્ગો વિરુદ્ધ હોય છે. આવા ભાષણોનો ચૂંટણીમાં રાજકીય લાભ લેવામા પણ આવે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ ભાષણો બહુમતી સમુદાયને લઘુમતીઓ પર હુમલો કરવા અને સામાજિક સંવાદિતાને વિક્ષેપિત કરવા માટે આપવામાં આવે છે.
ભારતમાં એવા ઘણા ઉદાહરણ
અહેવાલો અનુસાર ન્યાયાધીશે કહ્યું હતું કે ભારતમાં એવા ઘણા ઉદાહરણ છે જ્યાં ભારતના ધાર્મિક લઘુમતીઓ વિરુદ્ધ હેટ સ્પીચ આપવામાં આવી છે અને જ્યાં બહુમતીઓને લઘુમતીઓ પર હુમલો કરવા માટે ઉશ્કેરવા માટે ભાષણો આપવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે મોટાભાગની હેટ સ્પીચ ધાર્મિક લઘુમતીઓ અને વંચિત વર્ગોની સામે આપવામાં આવે છે. તેમણે કહ્યું કે ભાષણ અપરાધ બની જાય છે, આ ભાષણ સામાજિક સદ્ભાવને બગાડે છે. હેટ સ્પીચ પાછળ રાજકીય લાભ ખાટવામાં આવે છે.
આને રોકવાનો ઉપાય એક જ….
તેમણે કહ્યું કે આવા ભાષણો ભારતીય દંડ સંહિતા અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ ગુનો છે, પરંતુ તેને રોકવાનો અસરકારક ઉપાય જનતાને શિક્ષિત કરવાનો છે. તેમણે કહ્યું કે આપણાં આમુખમાં નાગરિકોને વિવિધ સ્વતંત્રતાઓ આપવામાં આવી છે અને તેમાંથી એક બંધુત્વ છે. તેમણે એમ પણ કહ્યું કે દ્વેષપૂર્ણ ભાષણને એવી રીતે ન દંડ કરવો જોઇએ કે જેનાથી અભિવ્યક્તિની સ્વતંત્રતા પર અંકુશ આવે.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે જમ્મુ મોકલવાનો ઇનકાર કરતાં યાસીન મલિક વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણીમાં ભાગ લેશે…