
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે ભરણપોષણ સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતુ. ચીફ જસ્ટિસ બીઆર ગવઈ (Chief Justice B.R. Gavai) એ એક મહિલાને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે, યોગ્ય અને સુશિક્ષિત મહિલાઓએ પોતાની આજીવિકા માટે જાતે કમાણી કરવી જોઈએ અને પતિ પાસેથી ભરણપોષણ (Interim Maintenance) તરીકે વચગાળાના ભરણપોષણની માંગણી કરવી જોઈએ નહીં. જસ્ટિસ ગવઈએ સીધા જ મહિલાને કહ્યું, “તમે આટલા ભણેલા છો. તમારે પોતાના માટે ન માંગવું જોઈએ, તમારે જાતે કમાઈને ખાવું જોઈએ.”
ભરણપોષણ માંગવા કરતા જાતે કમાવવું જોઈએ
ચીફ જસ્ટિસે આ ટિપ્પણી એક મહિલાની અરજી પર કહી હતી જેમાં લગ્નના 18 મહિનાની અંદર જ પોતાના પતિથી અલગ થઈને મુંબઈમાં ઘર અને ભરણપોષણના રૂપમાં 12 કરોડ રૂપિયાની માંગ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે યોગ્ય અને સુશિક્ષિત મહિલાઓએ પોતાની આજીવિકા માટે જાતે કમાણી કરવી જોઈએ અને પતિ પાસેથી ભરણપોષણ તરીકે વચગાળાના ભરણપોષણની માંગણી કરવી જોઈએ નહીં. કોર્ટે ટકોર કરી હતી કે ભણેલી ગણેલી મહિલાએ પતિ પાસેથી ભરણપોષણ માંગવા કરતા પોતાની જાતે કમાવવું જોઈએ.
સુપ્રીમ કોર્ટે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો
ભરણપોષણના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો હતો. ચીફ જસ્ટિસ બી.આર. ગવઈએ મહિલાને સીધો સવાલ પૂછ્યો, ‘તમે IT ક્ષેત્રમાં છો. તમે MBA કર્યું છે. તમારા જેવા પ્રોફેશનલ્સની બેંગલુરુ, હૈદરાબાદમાં ખૂબ માંગ છે. તમે કામ કેમ નથી કરતાં?’ જસ્ટિસ ગવઈએ વધુમાં કહ્યું, ‘તમારા લગ્ન માત્ર 18 મહિના ચાલ્યા અને હવે તમને BMW પણ જોઈએ છે?’ આ ટિપ્પણી ત્યારે આવી જ્યારે મહિલાએ તેના પતિ પાસેથી ભરણપોષણ અને અન્ય માંગણીઓ કરી હતી.
મહિલાએ કહ્યું, પતિ ખૂબ શ્રીમંત છે
‘બાર એન્ડ બેન્ચ’ના અહેવાલ અનુસાર, મહિલાએ તેની માંગણીઓને યોગ્ય ઠેરવતા કહ્યું કે તેનો પતિ ખૂબ શ્રીમંત છે અને તેણે લગ્નને રદ કરવાની માંગ કરી છે. પતિનું એવું પણ કહેવું છે કે મહિલા સિઝોફ્રેનિયાથી પીડિત છે, જોકે આ અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. ચીફ જસ્ટિસે મહિલાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, ‘તમે ખૂબ શિક્ષિત છો અને તમે તમારી મરજીથી કામ ન કરવાનો નિર્ણય કર્યો છે. આથી કાં તો તમને કોઈ મુશ્કેલી વિના એક ફ્લેટ મળશે અથવા કંઈ નહીં.’