Money Laundering: સત્યેન્દ્ર જૈનની અરજી પર આ તારીખે ચુકાદો આપવાનો ‘સુપ્રીમ’નો નિર્દેશ
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈ કોર્ટને ઇડી દ્ધારા દાખલ કરવામાં આવેલા મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈન (Money Laundering Case)ની જામીન અરજી પર 9 જુલાઈએ પોતાનો ચુકાદો સંભળાવવાના નિર્દેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ મનોજ મિશ્રા અને જસ્ટિસ એસવીએન ભાટીની બેન્ચે કહ્યું હતું કે જામીનના કેસને બિનજરૂરી રીતે ટાળવા યોગ્ય નથી.
વાસ્તવમાં સત્યેન્દ્ર જૈને હાઈકોર્ટ દ્વારા તેમની જામીન અરજી પર છ સપ્તાહના સ્ટે સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. તેમણે એવી દલીલ પણ કરી હતી કે આવો જ એક કેસ સર્વોચ્ચ અદાલત સમક્ષ પેન્ડિંગ છે અને તેથી તેમની અરજી તેની સાથે જોડવી જોઈએ.
આ પહેલા 28 મેના રોજ હાઈકોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી જવાબ માંગ્યો હતો અને તેને આ મામલે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા કહ્યું હતું. કોર્ટે જેલમાંથી સત્યેન્દ્ર જૈનનું નોમિનલ રોલ પણ માંગ્યું હતું અને આ મામલાની વધુ સુનાવણી 9મી જૂલાઈના રોજ કરવાની હતી.
આ પણ વાંચો : AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI કરશે તપાસ, જાણો શું છે મામલો
ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ 2017 માં સત્યેન્દ્ર જૈનની સામે નોંધાયેલી સીબીઆઇની એફઆઇઆરના આધારે ઇડીએ 30 મે, 2022 ના રોજ જૈનની ધરપકડ કરી હતી. સીબીઆઇ દ્વારા નોંધાયેલા કેસમાં 6 સપ્ટેમ્બર, 2019ના રોજ ટ્રાયલ કોર્ટ દ્વારા તેમને નિયમિત જામીન આપવામાં આવ્યા હતા.