નેશનલ

સુપ્રીમ કોર્ટના જજે કોને કહ્યું કે કેટલી વાર માય લોર્ડ બોલીશ ભાઇ તું કહે તો અડધો પગાર આપી દઉં…

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં દલીલ કરતી વખતે ન્યાયાધીશને માય લોર્ડ તરીકે સંબોધન કરતા હોય છે. જોકે 2006માં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં સર્વાનુમતે એક ખાસ ઠરાવ પસાર કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે હવે કોઈ વકીલ જજોને માય લોર્ડ કે યોર લોર્ડશિપ કહીને સંબોધશે નહીં. જો કે આજની તારીખમાં પણ વકીલો આ શબ્દ વાપરે છે એ અલગ વાત છે. આજ મુદ્દા પર સુપ્રીમ કોર્ટમાં એક અનોખી ઘટના બની જેમાં એક વકીલ જસ્ટિસ પીએસ નરસિમ્હાને વારંવાર માય લોર્ડના નામથી સંબોધી રહ્યો હતો. આ સાંભળીને પીએસ નરસિમ્હાએ કહ્યું કે ભાઇ કેટલી વાર માય લોર્ડ બોલીશ ભાઇ તું કહે તો અડધો પગાર આપી દઉં પણ હવે આ શબ્દનો ઉપયોગ ના કરો તો સારું.

તેમણે એમ પણ કહ્યું કે તમે આ શબ્દોને બદલે સર બોલી શકો છો, જો હવે તમે માય લોર્ડ કે લોર્ડશિપ બોલશો તે ગણવાનું શરૂ કરશે કે તમે કેટલી વાર આ શબ્દનો ઉપયોગ કર્યો. સામાન્ય રીતે દલીલોમાં માય લોર્ડ શબ્દનો સતત ઉપયોગ કરવામાં આવે છે, જોકે કેટલાક વકીલોનું કહેવું છે કે આ સંસ્થાનવાદી શાસનનું પ્રતીક છે અને આ શબ્દોનો ઉપયોગ થવો જોઈએ નહીં.


નોંધનીય છે કે માયલોર્ડ શબ્દની શરૂઆત બ્રિટિશ શાસન દરમિયાન થઇ હતી જેમાં કોર્ટમાં વકીલો જ્યારે પણ જજ સમક્ષ પોતાના વિચારો વ્યક્ત કરતા હતા ત્યારે તેમને માય લોર્ડ બોલવાની ફરજ પાડવામાં આવતી હતી. આઝાદી પછી પણ વકીલો હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટ જેવી મોટી અદાલતોમાં આ શબ્દોનું ચલણ ચાલું રહ્યું છે.


પરંતુ 2006માં વકીલોના સંગઠને જિલ્લા સ્તરની કોર્ટમાં આ શબ્દોના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. જો કે વકીલો આજે પણ આ શબ્દોનો ઉપયોગ કરે છે. આ અંગે કેટલાક વકીલોનું કહેવું છે કે અમને આ જ રીતે પોતાનો પક્ષ રાખવાની આદત પડી ગઇ છે. નીચલી કોર્ટમાં આજે પણ વકીલો હુઝૂર કે સાહેબ જેવા શબ્દોનો ઉપયોગ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button