ટોપ ન્યૂઝનેશનલ

જિમ કોર્બેટમાં ગેરકાયદે વૃક્ષો કાપવાની મંજૂરી આપવા મુદ્દે પૂર્વ પ્રધાનની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જિમ કોર્બેટ ટાઇગર રિઝર્વમાં વૃક્ષો કાપવાની અને બાંધકામની મંજૂરી આપવા બદલ અને મુખ્ય વિસ્તારમાં ટાઇગર સફારીને મંજૂરી આપવા બદલ ઉત્તરાખંડના ભૂતપૂર્વ વન મંત્રી હરક સિંહ રાવતની ઝાટકણી કાઢી છે. જસ્ટિસ બીઆર ગવઈ, પ્રશાંત કુમાર મિશ્રા અને સંદીપ મહેતાની ખંડપીઠે ઉત્તરાખંડના પૂર્વ વન મંત્રી હરક સિંહ રાવત અને ભૂતપૂર્વડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર કિશન ચંદને સખત ઠપકો આપ્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે “આ એક એવો કિસ્સો છે જે દર્શાવે છે કે કેવી રીતે રાજકારણી અને ફોરેસ્ટ ઓફિસર વચ્ચેની સાંઠગાંઠથી કેટલાક રાજકીય અને વ્યાપારી લાભ માટે પર્યાવરણને ભારે નુકસાન થયું છે.

કોર્ટે સીબીઆઈને આ મામલામાં તેની તપાસ રિપોર્ટ ત્રણ મહિનામાં કોર્ટમાં રજૂ કરવા કહ્યું છે. કોર્ટે ટાઇગર રિઝર્વના બફર અને ફ્રિન્જ વિસ્તારોમાં જ વાઘ સફારીની મંજૂરી આપતી નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NCTA) માર્ગદર્શિકાને ટાંકીને સરકારને ‘પર્યટન-કેન્દ્રિત’ ને બદલે ‘પ્રાણી-કેન્દ્રિત’ અભિગમ માટે હાકલ કરી હતી. સુપ્રીમ કોર્ટે વાઘના સંરક્ષણ માટે અનેક સૂચનાઓ પણ જારી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે વાઘ જંગલોનું રક્ષણ કરે છે, તેમના વિના જંગલોનો નાશ થાય છે. બેન્ચે જાન્યુઆરીમાં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ને કહ્યું હતું કે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રાણી સંગ્રહાલયની તર્જ પર વાઘ સફારી રાખવાની તેની યોજનાને મંજૂરી આપી શકાય નહીં.

સુપ્રીમ કોર્ટે જિમ કોર્બેટ પાર્કમાં સફારી બનાવવાની પ્રસ્તાવિત યોજનાને પડકારતી અરજી પર પોતાનો ચુકાદો આપતાં એક વિશેષ સમિતિની રચના કરી છે, જે નક્કી કરશે કે શું દેશના રાષ્ટ્રીય ઉદ્યાનોના બફર ઝોનમાં અથવા તેની નજીકના વિસ્તારોમાં વાઘ સફારી બનાવવાની પરવાનગી આપી શકાય.


નોંધનીય છે કે જિમ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં હજારો વૃક્ષો કાપવા અને ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટ પણ આશ્ચર્યચકિત થઇ ગઇ હતી. જિમ કોર્બેટ ટાઇગર રિઝર્વમાં પ્રસ્તાવિત પાખરો ટાઇગર સફારી યોજના માટે મંજૂરી આપવાના મામલે પર્યાવરણ કાર્યકર્તા અને એડવોકેટ ગૌરવ બંસલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરવામાં આવી રહી હતી. રાજ્યની એફિડેવિટ મુજબ, ઉત્તરાખંડ રાજ્યમાં કુલ 560 વાઘની વસતી છે, એમાંથી 1,288 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા કોર્બેટ ટાઇગર રિઝર્વમાં 260 વાઘ વસે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button