
નવી દિલ્હીઃ નવા વક્ફ કાયદાને પડકારનારી અરજીઓની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી, જેમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત વિવિધ મુસ્લિમ સંગઠનોએ અરજી કરી છે. કોર્ટમાં ત્રણ જજની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે 10 અરજીની સુનાવણી કરવામાં આવી છે, જ્યારે કુલ સંખ્યા તો 70થી વધુ છે. સુપ્રીમ કોર્ટમાં આજની સુનાવણી પૂરી થઈ છે, જેમાં કોર્ટે આજે કોઈ વચગાળાનો આદેશ આપ્યો નહોતો, જ્યારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પણ નોટિસ મોકલવામાં આવી છે. આવતીકાલે ફરી બે વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને જસ્ટિસ કે. વી. વિશ્વનાથનની ત્રણ સભ્યની બેન્ચે વક્ફ બોર્ડમાં બિન મુસ્લિમોના મુદ્દે સવાલ કર્યો હતો. કોર્ટે પૂછ્યું કે તેઓ મુસ્લમાનોને હિંદુઓના ધાર્મિક ટ્રસ્ટમાં લેવાની મંજૂરી આપશો. કોર્ટે કોલકાતામાં વક્ફ કાયદાની વિરોધમાં થયેલી હિંસા મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે આ મુદ્દે વચગાળાનો આદેશ પસાર કરવા માટે આવતીકાલે બપોરના બે વાગ્યે સુનાવણી હાથ ધરશે, ત્યારે કોર્ટમાં ચાલેલી સુનાવણીની મહત્ત્વની વાતો જાણીએ.
વક્ફ બાય યૂઝરને રોકવાનું યોગ્ય નથી
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ જારી કરી હતી. સીજેઆઈએ પૂછ્યું કે વક્ફ બાય યૂઝરનું રજિસ્ટ્રેશન કઈ રીતે થશે અને એમ કહેનાર ક્યાંથી આવશે વક્ફ મેં કર્યું છે. વક્ફ કાયદાનો દુરુપયોગ કરવામાં આવે છે, પરંતુ વક્ફ બાય યૂઝરને પૂરી રીતે રોકવાનું પણ યોગ્ય નથી. અંગ્રેજોના જમાનામાંથી પ્રિવી કાઉન્સિલે પણ વક્ફ બાય યૂઝરની માન્યતા આપી હતી.
કાયદાની તરફેણમાં કેન્દ્ર સરકારે શું કહ્યું?
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારની ફેવરમાં કહ્યું કે વક્ફ કાયદાનો ઉદ્દેશ ફક્ત સંપત્તિના નિયમનનો છે નહીં કે ધાર્મિક હસ્તક્ષેપનો. સરકાર ટ્રસ્ટી તરીકે કામ કરી શકે છે અને ક્લેક્ટરને નિર્ણય લેવાનો અધિકાર આપ્યો છે, જેથી સંપત્તિના વિવાદનો ઉકેલ આવી શકે. મહેતાએ કહ્યું કે 1995થી 2013 સુધીમાં વક્ફ બોર્ડના સભ્યની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે. ઉપરાંત, તુષાર મહેતાએ કહ્યું કે નવા કાયદામાં મુસ્લિમોને ખૂદ ટ્રસ્ટ બનાવવાની મંજૂરી છે અને તેમના માટે વક્ફને જ સંપત્તિ આપવામાં કોઈ અવરોધ નથી.
સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમના હોવાથી વક્ફની કામગીરી પર અસર પડશે નહીં. આ એક એડવાઈઝરી સંસ્થા છે અને કેન્દ્ર વતીથી અગાઉથી નોમિનેટેડ પ્રતિનિધિ તો પહેલાથી જ છે. સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં બે પૂર્વ ન્યાયાધીશ પણ હશે. એના અંગે સીજેઆઈએ કહ્યું કે તે બિન-મુસ્લિમ હોઈ શકે છે, ત્યારે એસજીએ કહ્યું તો એના હિસાબે તો તમે પણ કેસ સુનાવણી કરી શકતા નથી. એ વખતે સીજેઆઈએ તરત જ કહ્યું આ સરખામણી કરશો નહીં. બેન્ચ પરના ન્યાયાધીશો આવા કોઈ પણ મુદ્દા વિના કેસની સુનાવી કરે છે.
નવા કાયદાને કારણે સરકારનો હસ્તક્ષેપ વધશે
વક્ફ સંશોધિત કાયદાને સંસદના બંને ગૃહમાં મંજૂરી આપ્યા પછી રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપ્યા પછી વક્ફ કાયદાને પડાકારવામાં આવ્યો છે, જેમાં અરજીઓમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કાયદો મુસ્લિમોના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત, વિરોધ કરનારા મુસ્લિમ સંગઠનોએ દાવો કર્યો છે કે આ નવા કાયદાને કારણે સરકારની દરમિયાનગીરી વધી જશે. મુસ્લિમ સમાજના લોકોનું માનવું છે કે વક્ફ સેક્શન 40 કહે છે કે વક્ફ બોર્ડ એ વાતનો નિર્ણય લેશે કે કોઈ જમીનને વક્ફ માની શકાય કે નહીં. હવે અહીં એ વાતને લઈને વિવાદ છે કે હવે એનો નિર્ણય લેવાની શક્તિ કોઈ વક્ફ ટ્રિબ્યુનલની પાસે નહીં પણ ડિસ્ટ્રિક્ટ ક્લેક્ટર પાસે હશે.
હાલમાં ઓછો સમય છે, તેથી મહત્ત્વપૂર્ણ વાત કરો
વક્ફ કાયદાને પડકારનારી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલે દલીલો કરી હતી, જ્યારે તેના જવાબમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે હાલમાં સમય ઓછો છે, તેથી ફક્ત મહત્ત્વપૂર્ણ બાબતો પર વધુ પ્રકાશ પાડો. સીજીઆઈએ કહ્યું કે અમે તમામ લોકોને સાંભળી શકીએ એમ નથી, તેથી નક્કી કરીશું કે કોણ દલીલ કરશે. કોઈ પણ લોકો દલીલોનું પુનરાવર્તન કરશે. તમામ રિટ અરજીઓ છે તથા તમામ બ્રીફ નોટ તૈયાર કરવામાં આવશે.
હાઈ કોર્ટને અરજીઓના નિકાલ માટે કહી શકાય
દરમિયાન વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે હું વરિષ્ઠ છું મને તક આપવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું તમામ ડેકોરમ જાળવી રાખે. સીજેઆઈએ કહ્યું કે બે સવાલ છે, સૌથી પહેલી બાબત તો આ કેસની સુનાવણી માટે તેને હાઈ કોર્ટમાં મોકલવી જોઈએ અને બીજી વાત કે વકીલોએ કઈ બાબતમાં ચર્ચા કરવી જોઈએ. સીજેઆઈ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે હાઈ કોર્ટને અરજીઓના નિકાલ માટે કહી શકાય છે. બીજી વાત એ કે અમે એવું પણ નથી કહેતા કે કાયદા વિરુદ્ધ અરજીઓની સુનાવણી અને નિર્ણય લેવામાં સુપ્રીમ કોર્ટ પર કોઈ પ્રતિબંધ છે. જોકે, સીજેઆઈએ એમ પણ સ્પષ્ટતા કરી કે કાયદાને રોકવાના પાસા અંગે કોઈ દલીલો સાંભળી રહ્યા નથી.
વક્ફ કાયદાની વિરુદ્ધમાં 73 અરજીની થશે સુનાવણી
સુપ્રીમ કોર્ટની બેન્ચમાં મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ચીફ જસ્ટિસ સંજય કુમાર અને ન્યાયાધીશ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. કેન્દ્ર સરકારે હાલમાં વક્ફ સંશોધન એક્ટ, 2025નું જાહેરનામું બહાર પાડ્યું હતું. કાયદાની સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ કરવામાં આવી છે. આજે 73 અરજી પણ સુપ્રીમ કોર્ટે સુનાવણી હાથ ધરી હતી, જેમાં એઆઈએમઆઈએમના પ્રમુખ અસદ્દુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ સહિત ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગ સહિતના અન્ય મુસ્લિમ સંગઠનોનો પણ સમાવેશ થાય છે.
વક્ફ બિલને લઈ જેપીસીથી લઈને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી
વક્ફ કાયદા વિરોધની અરજીની સુનાવણી વખતે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે વક્ફ સંસોધન બિલ પર ચર્ચા-વિચારણા કરવા માટે જેપીસી (જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી)નું ગઠન કરવામાં આવ્યું હતું, ત્યારે 38 બેઠક યોજવામાં આવી હતી, જ્યારે 92 લાખ જાહેરાત આપી હતી. આ બિલને લોકસભા અને રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યા પછી રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મહોર મારી હતી.