નવી દિલ્હી: આપરાધિક ઘટના સાથે જોડાયેલા કેસોમાં આરોપીઓના ઘરને પ્રસાશન દ્વારા બુલડોઝરથી ધરાશાયી કરી દેવાની ઘટનાઓ હંમેશા વિવાદમાં રહી છે. એવામાં બુલડોઝર એક્શન (Bulldozer action) અંગે આજે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે માત્ર આરોપી હોવાના આધારે કોઈની સામે આવી કાર્યવાહી ન કરી શકાય. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકાર તરફથી દલીલો રજૂ કરી હતી. તુષાર મહેતાએ જણાવ્યું હતું કે નગરપાલિકાના કાયદા મુજબ જ આવા એક્શન લઇ શકાય છે.
નોંધનીય છે કે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બુલડોઝર એક્શન બાદ ‘બાબા કા બુલડોઝર’ અને ‘મામા ક બુલડોઝર’ જેવા શબ્દો પ્રચલિત થયા હતા.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે માત્ર આરોપી હોવાના કારણે કોઈનું ઘર કેવી રીતે તોડી શકાય? જો વ્યક્તિ દોષિત હોય તો પણ ઘર તોડી શકાય નહીં.
આ પણ વાંચો :Bihar માં અનામતનું રાજકારણ શરૂ, પટના હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ RJD સુપ્રીમ કોર્ટ પહોંચી
આ અંગે SG તુષાર મહેતાએ કહ્યું કે અરજદારો કોર્ટ સમક્ષ ખોટી રીતે કેસ રજૂ કરી રહ્યા છે. નિયમોનું પાલન કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી થયાના ઘણા સમય પહેલા તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ આ લોકો હાજર થયા ન હતા.
જસ્ટિસ વિશ્વનાથને કહ્યું કે કોઈએ ખામીઓનો ફાયદો ઉઠાવવો જોઈએ નહીં. જસ્ટિસ ગવઈએ કહ્યું કે જો બાંધકામ અનધિકૃત છે, તો આવા કિસ્સાઓમાં પણ કાર્યવાહી કાયદા અનુસાર હોવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ અંગે ગાઈડ લાઈન બનાવવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ અમે આ મામલે ગાઈડ લાઈન જાહેર કરીશું, જે આખા દેશમાં લાગુ થશે, આ સાથે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારો પાસેથી સૂચનો માંગ્યા છે.
કોર્ટે કહ્યું કે તમામ પક્ષો તરફથી સૂચનો બળ્યા બાદ, અમે રાષ્ટ્રીય સ્તરે ગાઈડલાઈન્સ જાહેર કરીશું.
આ સાથે કેસની આગામી સુનાવણી માટે 17 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી છે.