દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને સુપ્રિમ કોર્ટે આપી રાહત, જેલની બહાર જશે પણ…
નવી દિલ્હી: હાલમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો તડામાર તૈયારીઓ કરી રહી છે. આ દરમિયાન દિલ્હી તોફાનોના આરોપી અને એઆઇએમઆઇએમ (AIMIM)ની ટિકિટ પરથી ચૂંટણી લડી રહેલા તાહિર હુસૈનને સુપ્રિમ કોર્ટે મોટી રાહત આપી છે. તાજેતરમાં સુપ્રિમ કોર્ટે કસ્ટડી પેરોલ આપી છે. જેનો લાભ લઈને તેઓ બે દિવસ સુધી પ્રચાર કરી શકશે.
કોર્ટની શરતોનું કરવું પડશે પાલન
પ્રાપ્ત વિગતો અનુસાર સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ કોર્પોરેટર અને AIMIMની ટિકિટ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી રહેલા તાહિર હુસૈનને કસ્ટડી પેરોલ આપી છે. આ પેરોલ તે બધા કેસો માટે આપવામાં આવી છે, જેમાં તેમને હજુ સુધી જામીન મળ્યા નથી. આ દરમિયાન, દિલ્હી રમખાણોના આરોપી તાહિર હુસૈનને અમુક શરતોનું પાલન કરવું પડશે. તેણે પોલીસ સુરક્ષા સાથે દિવસ દરમિયાન નિશ્ચિત સમયે જેલમાંથી બહાર નીકળવાની અને દરરોજ રાત્રે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે.
ઘરે નહીં જઈ શકે તેમ જ નિવેદન નહીં આપી શકે
કોર્ટના આદેશ અનુસાર તાહિર હુસૈન સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પ્રચાર માટે જેલથી બહાર નીકળી શકશે. આ માટે તાહિર હુસૈનને બે લાખ રૂપિયા લગભગ પ્રતિદિવસના હિસાબથી બે દિવસ માટેની જમાનતી રકમ જમા કરવાની રહેશે. જો કે આ દરમિયાન તાહિર હુસૈન ઘર નહિ જઇ શકે તેમ જ આ કેસ મામલે કોઇ નિવેદન નહિ આપી શકે. જોકે, તાહિર હુસૈન ઓફિસ જઈ શકશે.
આ પણ વાંચો : Supreme Court ની બેન્ચ દિલ્હી તોફાનના આરોપીને જામીન આપવા એકમત નહિ, નવી બેન્ચની રચના કરાશે
વચગાળાના જામીન પર નહોતી સહમતિ
આ આદેશ જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે આપ્યો છે. બંને ન્યાયાધીશોની બેન્ચ તાહિર હુસૈનને વચગાળાના જામીન આપવા પર સહમત થઈ શકી નહોતી ત્યારબાદ આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટની ત્રણ જજની બેન્ચે દિલ્હી સરકાર પાસેથી માહિતી માંગી હતી કે જો તાહિર હુસૈનને વચગાળાના જામીનને બદલે કસ્ટડી પેરોલ આપવામાં આવે તો કેટલા સુરક્ષા કર્મચારીઓ અને ખર્ચની જરૂર પડશે.