
નવી દિલ્હી : દેશના હજારો કર્મચારીઓને સામાજિક સુરક્ષાના દાયરામાં લાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ ) યોજના માટે પગાર મર્યાદામાં બદલાવ લાવવા ચાર મહિનાનો સમય આપ્યો છે. ઈપીએફઓમાં સામેલ થવા માટે કર્મચારીઓની પગાર મર્યાદા 11 વર્ષથી યથાવત છે.
કેન્દ્ર સરકારે ચાર મહિનાની અંદર આ બાબતે નિર્ણય લેવો પડશે
આ અંગે સામાજિક કાર્યકર્તા નવીન પ્રકાશ નૌટિયાલ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટની બેન્ચે આ આદેશ આપ્યો હતો. બેન્ચે અરજદારને બે અઠવાડિયામાં કેન્દ્ર સરકારને પોતાનું પ્રતિનિધિત્વ અને કોર્ટના આદેશની નકલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો હતો.તેની બાદ કેન્દ્ર સરકારે ચાર મહિનાની અંદર આ બાબતે નિર્ણય લેવો પડશે. અરજદારે દલીલ કરી હતી કે EPFO યોજના હાલમાં એવા કર્મચારીઓને બાકાત રાખે છે જેમનો માસિક પગાર રૂપિયા 15,000 થી વધુ હોય. તેમજ આ મર્યાદા છેલ્લે 2014 માં સુધારવામાં આવી હતી. એટલે કે 15,000 થી વધુ વેતન મેળવતો કર્મચારી આ યોજનાના લાભથી વંચિત રહે છે.
ઓછા કર્મચારીઓને EPF યોજનાનો લાભ મળી રહ્યો છે
આ અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે છેલ્લા 70 વર્ષોમાં EPF યોજના માટે પગાર મર્યાદામાં ફેરફાર ખૂબ જ અનિયમિત રહ્યા છે. કેટલીકવાર આ તફાવત 13-14 વર્ષ જેટલો લાંબો રહ્યો છે. ફુગાવો, લઘુત્તમ વેતન અથવા માથાદીઠ આવક જેવા આર્થિક સૂચકાંકોને ધ્યાનમાં લેવામાં આવ્યા નથી. પરિણામે આજે પહેલા કરતાં ઓછા કર્મચારીઓને EPF યોજનાનો લાભ મળી રહ્યો છે.

પગાર મર્યાદા વધારવામાં વિલંબનું મુખ્ય કારણ સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયા
આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2022 માં EPFO પેટા-સમિતિએ પગાર મર્યાદા વધારવા અને યોજનામાં વધુ કર્મચારીઓનો સમાવેશ કરવાની ભલામણ કરી હતી. આ ભલામણને સેન્ટ્રલ બોર્ડ દ્વારા પણ મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લીધો નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પગાર મર્યાદા વધારવામાં વિલંબનું મુખ્ય કારણ સરકારની નિર્ણય લેવાની પ્રક્રિયા રહી છે.
આ પણ વાંચો…ઈપીએફઓએ નિયમોમાં કર્યો મોટો બદલાવ, લાખો કર્મચારીઓને રાહત



