
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)ની કામગીરીમાં ગેરરીતિઓનો આક્ષેપ કરતી અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે દરેક પદ્ધતિમાં તેના પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ હોય છે એમ કહી ઇનકાર કરી દીધો હતો.
ન્યાયધીશ સંજીવ ખન્ના, દીપાંકર દત્તા અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની ખંડપીઠે જણાવ્યું હતું કે આ કોર્ટે પહેલાથી જ અનેક અરજીઓની વારંવાર તપાસ કરી છે અને ઇવીએમની કામગીરીને લગતા વિવિધ મુદ્દાઓ પર કાર્યવાહી કરી છે.
ખંડપીઠે અરજદારને કહ્યું કે અમે કેટલીક અરજીઓ પર ધ્યાન આપીશું? તાજેતરમાં અમે વીવીપીએટી સંબંધિત એક અરજી પર કાર્યવાહી કરી છે. અમે ધારણાઓથી આગળ વધી શકતા નથી. દરેક પદ્ધતિના તેના પ્લસ અને માઇનસ પોઇન્ટ્સ હોય છે. માફ કરશો, અમે આર્ટિકલ ૩૨ હેઠળ આને ધ્યાનમાં લઇ શકીએ નહીં.
ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે કે અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાની વડી અદાલત દ્વારા વિવિધ અરજીઓમાં તપાસ કરવામાં આવી છે. ન્યાયધીશ ખન્નાએ કહ્યું કે કોર્ટ દ્વારા આ મુદ્દા પર ૧૦થી વધુ કેસની વારંવાર તપાસ કરવામાં આવી છે. શર્માએ પોતાની અરજીમાં ભારતના ચૂંટણી પંચ અને છ રાજકીય પક્ષોને પક્ષ તરીકે રજૂ કર્યા છે.