નવી દિલ્હી: ભારતમાં ન્યાય પ્રણાલી(Indian Justice system)ને મજબૂત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના માટે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી વાય ચંદ્રચુડ(D Y Chandrachud) મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેના નેતૃત્વ હેઠળ સુપ્રીમ કોર્ટે ન્યાયની પહોંચ વધારવા અને સામાન્ય લોકો સાથે સીધા સંવાદને પ્રોત્સાહન આપવા માટે ઐતિહાસિક પહેલ કરી છે. આ ઐતિહાસિક પહેલ હેઠળ, ન્યાયતંત્રના અધિકારીઓ ગુજરાતના કચ્છના રણમાં બે દિવસીય કાર્યક્રમ માટે એકત્ર થયા છે.
દેશના ઈતિહાસમાં આ પ્રકારની પ્રથમ કોન્ફરન્સ છે, જેમાં દેશભરની તમામ હાઈકોર્ટના પ્રતિનિધિઓ તેમજ નીચલી અદાલતોના 250 જિલ્લા ન્યાયાધીશો એકઠા થશે. શનિવાર અને રવિવારે ચાલનારા આ કાર્યક્રમમાં મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડ અને તેમના સાથી ન્યાયાધીશો સીધા જિલ્લા સ્તરના ન્યાયાધીશો સાથે સંવાદ કરશે.
CJI ચંદ્રચુડ સાથે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ બેલા એમ ત્રિવેદી પણ સામેલ થશે. મહત્વની બાબત એ છે કે ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને સૂર્યકાંત ભવિષ્યમાં મુખ્ય ન્યાયાધીશની ભૂમિકા ભજવે તેવી અપેક્ષા છે. આવી સ્થિતિમાં આ કાર્યક્રમ ભવિષ્યમાં પણ ચાલુ રહે તેવી આશા છે.
સુપ્રીમ કોર્ટના સૂત્રોના જણાવ્યા અનુસાર, CJI ચંદ્રચુડે એવી ન્યાયતંત્રની કલ્પના કરી છે જે પરંપરાગત કોર્ટરૂમ સિસ્ટમની આગળ વધીને સામાન્ય લોકો સુધી સક્રિય રીતે પહોંચે. આ માટે પાયાના સ્તરે સમસ્યાઓના નિરાકરણ માટે ચર્ચા કરવા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઈ-ફાઈલિંગ, વર્ચ્યુઅલ સુનાવણી, બંધારણીય કેસોનું લાઈવ સ્ટ્રીમિંગ અને પ્રાદેશિક ભાષાઓમાં ચુકાદાઓના અનુવાદની પ્રથા શરુ થયા બાદ સુપ્રીમ કોર્ટને આશા છે કે સામાન્ય લોકો સુધી પહોંચવાનું આ અભિયાન પારદર્શક અને સુલભ ન્યાયતંત્રને જાળવવામાં પણ મદદ કરશે.
આ કાર્યક્રમમાં ન્યાયાધીશો વચ્ચે ચર્ચા કર્યા પછી, એક સત્રનું આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યાં નીચલી અદાલતના ન્યાયાધીશો સાથે સીધો સંવાદ થઈ શકે, જેમાં ટેક્નોલોજી, સંસાધનો અને અન્ય લોજિસ્ટિકલ પાસાઓને લગતી ચિંતાઓ પર ધ્યાન આપી શકાય.
Taboola Feed