મેન્સ્ટ્રુઅલ લીવ બાબતે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નિર્દેશ આપ્યો, કોર્ટે કહ્યું કે અમે એવું નથી ઈચ્છતા કે…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme court)આજે સોમવારે મહિલાઓને મેન્સ્ટ્રુઅલ લીવ (Menstrual leave) આપવા અંગે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને રાજ્યો અને સામેલ અન્ય પક્ષકારો સાથે વિચાર-વિમર્શ કર્યા બાદ મહિલા કર્મચારીઓ માટે મેન્સ્ટ્રુઅલ લીવ અંગે મોડલ નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો હતો.
ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI) ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને મનોજ મિશ્રાની ખંડપીઠે કહ્યું કે આ નીતિનો વિષય છે અને તેના પર અદાલતોએ આદેશ આપી શકે નહીં. બેન્ચે એ પણ ધ્યાન દોર્યું હતું કે મેન્સ્ટ્રુઅલ લીવ આપવાથી મહિલાઓને મળતી તકોને પ્રતિકૂળ અસર થઇ શકે છે, એવું પણ થઇ શકે કે કંપનીઓ મહિલાઓ નોકરી આપવાનું પસંદ ન કરે.
બેન્ચે કોર્ટે અરજદારને પૂછ્યું, “મેન્સ્ટ્રુઅલ લીવ વધુ મહિલાઓને વર્કફોર્સનો ભાગ બનવા માટે કેવી રીતે પ્રોત્સાહિત કરશે? આવી રજા ફરજિયાત કરવાથી મહિલાઓને વર્કફોર્સથી દૂર કરવામાં આવી શકે છે… અમે એવું નથી ઈચ્છતા.”
આ પણ વાંચો : “રાજ્યને એક વ્યક્તિને બચાવવામાં કેમ રસ છે” સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને ફટકાર લગાવી
ખંડપીઠે અરજદાર શૈલેન્દ્ર ત્રિપાઠી તરફથી હાજર રહેલા વકીલ રાકેશ ખન્નાને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અને એડીશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીનો સંપર્ક કરવા કહ્યું હતું.
ખંડપીઠે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવને આ બાબતે વિચારણા કરવા અને મોડેલ પોલિસી ઘડી શકાય કે કેમ એ માટે વિવિધ હિતધારકો સાથે ચર્ચા કર્યા પછી જવાબ આપવા વિનંતી કરી હતી.
કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે રાજ્યો આ અંગે પગલાં લેવા માટે સ્વતંત્ર છે અને કેન્દ્રની પરામર્શ પ્રક્રિયાથી તે પ્રભાવિત થશે નહીં.
ફેબ્રુઆરીની શરૂઆતમાં, SC એ એક PIL ને ફગાવી દીધી હતી જેમાં તમામ રાજ્યો માટે મહિલા વિદ્યાર્થીઓ અને કામ કરતી મહિલાઓ માટે મેન્સ્ટ્રુઅલ લીવ આપવાનું ફરજિયાત બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે એ સમયે પણ સમાન કારણ દર્શાવીને આ અરજીને ધ્યાનમાં લેવાનો ઇનકાર કર્યો હતો.