
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ બી. આર. ગવઈએ અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્મા દ્વારા દાખલ કરાયેલી અરજીની સુનાવણીથી પોતાને અલગ કરી લીધા છે. તેમણે જણાવ્યું કે તે પોતે તપાસ સમિતિમાં સામેલ હતા. કેશ કાંડ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ યશવંત વર્માએ અરજી દાખલ કરી હતી. જેમાં તેમણે તેમની પર આરોપ લગાવતા ઈન હાઉસ તપાસ સમિતિના અહેવાલને પડકાર્યો હતો.
આ કેસ અન્ય ખંડપીઠને સોંપવો પડશે
આ અંગે સીજેઆઈ ગવઈએ સિનીયર એડવોકેટ કપિલ સિબ્બલને જણાવ્યું હતું કે આ કેસની સુનવણી હું નહી કરી શકું કારણ કે આ કેસની તપાસ સમિતિમાં હું પણ સામેલ હતો. તેથી આ કેસ અન્ય ખંડપીઠને સોંપવો પડશે જેની માટે નવી ખંડપીઠની રચના કરવી પડશે. સીજેઆઈએ એમ પણ કહ્યું કે હું જસ્ટીસ વર્માને પસંદ કરનારી કોલેજીયમમાં પણ સામેલ હતો તેથી આ કેસની સુનાવણી કરવી યોગ્ય નથી.
આપણ વાંચો: અચાનક રાજીનામું કે દબાણનું પરિણામ? પીએમ મોદીની રહસ્યમય પોસ્ટ પર કોંગ્રેસના વાક્ પ્રહાર
તત્કાલીન સીજેઆઈની ભલામણને રદ કરવાની માંગ
સીજેઆઈ બી.આર. ગવઈએ આ વાત એ સમયે કરી જયારે કપિલ સિબ્બલે જસ્ટીસ વર્માના કેસને ઝડપી ચલાવવાની માંગ કરી હતી. સિબ્બલે જણાવ્યું કે અરજીમાં બંધારણીય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે તેથી તેની તરત સુનાવણી જરુરી
છે. સીજેઆઈ બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેંચમાં જસ્ટીસ કે. વિનોદ ચંદ્રન અને જસ્ટીસ જોયમલ્યા બાગચી પણ સામેલ છે. જસ્ટીસ વર્માએ ભારતના તત્કાલીન સીજેઆઈ સંજીવ ખન્ના દ્વારા 8 મેના રોજ કરવામાં આવેલી ભલામણને રદ કરવાની માંગ કરી છે. જેમાં તેમને સંસદમાં તેમની વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયા શરુ કરવાનો આગ્રહ કર્યો હતો.