Supreme Court: ઉમેદવારોએ મિલકતની દરેક વિગતો જાહેર કરવી જરૂરી નથી? સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી(Loksabha Election) નજીક આવી રહી છે, એ પહેલા સુપ્રીમ કોર્ટ(Supreme court)એ એક કેસની સુનાવણી દરમિયાન ચૂંટણી લડી રહેલા ઉમેદવારો અંગે મહત્વનું અવલોકન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે ચૂંટણી લડતા ઉમેદવારે પોતાની માલિકીની તમામ મિલકતો જાહેર કરવી જરૂરી નથી. ઉમેદવારે માત્ર તે જ નોંધપાત્ર સંપત્તિ જાહેર કરવાની જરૂર છે જેથી મતદારો તેની આર્થિક સ્થિતિ અને જીવનશૈલીને સમજી શકે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી લડનારા ઉમેદવારોને ગોપનીયતાનો અધિકાર છે અને તેમણે તેમની સંપત્તિની દરેક વિગતો જાહેર કરવાની જરૂર નથી. અરુણાચલ પ્રદેશના એક અપક્ષ વિધાન સભ્યના કેસ અંગે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે.
અગાઉ ગુઆહાટી હાઈકોર્ટે અરુણાચલ પ્રદેશના અપક્ષ વિધાન સભ્ય કરીખોન ક્રીનું વિધાનસભ્ય પદ રદ કરી દીધું હતું. કરીખોન ક્રીએ 23 મે 2019 ના રોજ અરુણાચલની તેજુ વિધાનસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે જીત મેળવી હતી. તેમણે તેમના ચૂંટણી એફિડેવિટમાં તેમની સંપત્તિના ઘોષણામાં તેમની પત્ની અને પુત્રના નામે ત્રણ વાહનોનો ઉલ્લેખ કર્યો ન હતો. આ પછી મામલો ગુઆહાટી હાઈકોર્ટ પહોંચ્યો અને હાઈ કોર્ટે ચૂંટણીને અમાન્ય જાહેર કરી હતી. હાઈ કોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ઉમેદવારો અને તેમના પરિવારના સભ્યોએ દરેક જંગમ મિલકતની વિગતો આપવાની જરૂર નથી સિવાય કે તે ખૂબ મૂલ્યવાન અથવા વૈભવી હોય. જસ્ટિસ અનુરુદ્ધ બોઝ અને જસ્ટિસ સંજય કુમારની ડિવિઝન બેંચે ગુઆહાટી હાઈકોર્ટના નિર્ણયને પલટાવી દીધો હતો. કોર્ટે કહ્યું કે પિટિશનમાં જે વાહનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે ચૂંટણી પહેલા ભેટમાં આપી દેવામાં આવ્યા હતા અથવા તો વેચી દેવામાં આવ્યા હતા. આવી સ્થિતિમાં, આ વાહન હવે કરીખોન ક્રી પરિવારની માલિકીના નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે વાહનો જાહેર ન કરવાથી ચૂંટણી પરિણામો પર કોઈ ખાસ અસર પડતી નથી. ઉમેદવારની જીવનશૈલી અથવા સમૃદ્ધિ વિશે મતદારને માહિતી આપતી સંપત્તિઓ જાહેર કરવી આવશ્યક છે. જરૂરી નથી કે ઉમેદવાર દરેક જંગમ મિલકત જેવી કે પગરખાં, સ્ટેશનરી, કપડાં, ફર્નિચર વગેરે જાહેર કરે.