CAA પર પ્રતિબંધ મૂકવા અંગે અરજીઓ પર સુનાવણી કરવા SC સંમત, આ તારીખે થશે સુનાવણી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે ગત સોમવાર 11 માર્ચથી સિટીઝનશિપ અમેન્ડ એક્ટ(CAA), 2019 લાગુ કરી દીધો છે. અમલીકરણની જાહેરાત થતાની સાથે જ ઘણા સંગઠનોએ સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં કાયદાના અમલીકરણ પર રોક લગાવવા અરજીઓ કરી હતી. આજે શુક્રવારે સુપ્રીમ કોર્ટ આ અરજીઓ પર સુનાવણી કરવા સંમતિ દર્શાવી હતી, CAA પર સ્ટે મૂકવાની માંગ કરતી અરજીઓ પર 19 માર્ચે મંગળવારના રોજ સુનાવણી કરવામાં આવશે.
ડિસેમ્બર 2019 માં સંસદ દ્વારા CAA પસાર કરવામાં આવ્યો હતો, લાંબા વિલંબ બાદ કેન્દ્ર સરકારે ગત સોમવારે તેના માટે નિયમો જાહેર કર્યા હતા. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા(CJI) એ કહ્યું કે વર્ષ 2019 થી CAA વિરુદ્ધ સુપ્રિમ કોર્ટમાં કુલ 192 કેસ પેન્ડીંગ છે. હવે તમામ અરજીઓ પર એકસાથે સુનાવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ, યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા, આસામ કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયા અને આસામના સંગઠન AJYCPએ CAA નોટિફિકેશન પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરતી અરજી દાખલ કરી છે. અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે “CAA ગેરબંધારણીય છે, મુસ્લિમો પ્રત્યે ભેદભાવપૂર્ણ છે.”
અરજીકર્તાઓ તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કોન્સ્ટીટ્યુશનલ બેંચ સમક્ષ કહ્યું કે કોર્ટે અગાઉ અરજી સાંભળી ન હતી, કારણ કે એ સમયે સરકારે કહ્યું હતું કે હજુ સુધી કાયદાનો અમલ કરવામાં આવી રહ્યો નથી. હવે જ્યારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, તો સુનાવણી જલ્દી શરૂ થવી જોઈએ. જેની સામે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ચૂંટણી પહેલા નોટિફિકેશન પર વિવાદનો કોઈ અર્થ નથી. આ બંધારણીય મામલો છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એક ઈન્ટરવ્યું દરમિયાન CAA અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે વિપક્ષ નકારત્મક પ્રચાર કરી રહ્યું છે. NRC અને CAA સાથે કોઈ લેવાદેવા નથી. આ કાયદો ક્યારેય પાછો ખેંચાશે નહીં. આ શરણાર્થીઓને ન્યાય આપવાનો મુદ્દો છે. CAA શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માટે છે, દેશના કોઈ પણ નાગરિક નાગરિકતાને અસર નહીં થાય.