ગુજરાતમાં ‘બુલડોઝર કાર્યવાહી’ પર સુપ્રીમની લાલ આંખ: કોણ ગુનેગાર તે નક્કી કરવાનું કામ કોર્ટનું…
નવી દિલ્હી: ગુજરાતના એક વ્યક્તિની અરજી પર સુપ્રીમ કોર્ટે ‘બુલડોઝર ન્યાય’ પર આકરી ટીપ્પણી કરી છે. સુપ્રીમે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવતા આ મામલે કહ્યું કે કોઈ વ્યક્તિના ઘર પર બુલડોઝરનો ઉપયોગ માત્ર એટલા માટે ના કરી શકાય કે તે કોઇ એક કેસમાં આરોપી છે. આરોપી ગુનેગાર છે કે નહિ તે નક્કી કરવાનું કાર્ય અદાલતનું છે. જે દેશમાં કાયદાનું શાસન ચાલતું હોય ત્યાં એક વ્યક્તિના ભૂલની સજા તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરીને કે તેના ઘરને પાડીને ન આપી શકાય.
બુલડોઝર કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે આકરી ટીપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ગુજરાતમાં બુલડોઝર કાર્યવાહી પર રોક લગાવી દીધી છે અને સાથે જ ફોજદારી કેસના આરોપીના ઘરને બુલડોઝરથી તોડી પાડવાની ધમકી ન આપવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોઈપણ કેસમાં આરોપી હોવાથી તેની સંપતિને બુલડોઝર વડે પાડી શકાય નહિ.
બેન્ચના ત્રણે ન્યાયધીશોએ કહ્યું હતું કે આ દેશમાં કાયદાનું શાસન છે. રાજ્ય સરકારની કાનૂની કાર્યવાહી પણ બંધારણના દાયરામાં છે, આથી એક વ્યક્તિના ભૂલની સજા તેના પરિવાર વિરુદ્ધ કાર્યવાહી કરીને કે તેના ઘરને પાડીને ન આપી શકાય. કોઈપણ ગુનામાં કોઇ ગુનેગાર છે તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે.
સુપ્રીમે ગુજરાત સરકાર અને રાજ્યના ખેડા જિલ્લાની કઠલાલ નગર પાલિકાને નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. જાવેદલી એમ સૈયદ નામના અરજદારે અદાલત પાસે ડિમોલિશન સામે રક્ષણ આપવાની માંગ કરી હતી. કોર્ટે તમામ સંબંધિત પક્ષોને અરજદારની મિલકતના સંદર્ભમાં યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. સર્વોચ્ચ અદાલત આ કેસની તપાસ કરવા પર હકાર ભણ્યુ છે અને એક મહિના પછી તેને સૂચિબદ્ધ કરવામાં આવશે.