
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)એક મહત્વપૂર્ણ ચુકાદામાં દેશમાં ઇવીએમના બદલે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે. આ અરજી ડૉ. કે.એ. પૉલે દાખલ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પીબી વરાલેની બેંચે અરજદારને પૂછ્યું કે તેમને આ શાનદાર આઈડિયા કેવી રીતે આવ્યો?
આ પણ વાંચો : પીએમની મુલાકાત પહેલા ચંદીગઢમાં બ્લાસ્ટઃ આ સિંગરની લાઉન્જ બહાર ધડાકા
અરજીકર્તાએ ઇલોન મસ્કના નિવેદનને ટાંક્યું
અરજીકર્તાએ ઇલોન મસ્કના નિવેદનને ટાંકીને કહ્યું હતું તે પણ કહે છે કે ઇવીએમ સાથે ચેડાં થઇ શકે છે. પીટીશનર પોલે કહ્યું કે હું લોસ એન્જલસથી એક મોટી વૈશ્વિક શાંતિ સમિટ માટે આવી રહ્યો છું. અમે નિવૃત્ત IAS,IPS અને ન્યાયાધીશો છે. તેઓ મને સમર્થન આપી રહ્યા છે.
રાજકીય નેતાઓએ ઈવીએમ સાથે ચેડાં અંગે ચિંતા વ્યક્ત કરી
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથે કહ્યું કે તમે આ રાજકારણના ક્ષેત્રમાં કેમ પ્રવેશી રહ્યા છો. ડૉ. પૉલે એમ પણ કહ્યું કે 18 રાજકીય પક્ષોએ તેમની અરજીને સમર્થન આપ્યું છે અને ચૂંટણી પંચના રિપોર્ટને ટાંક્યો છે.જેમાં ચૂંટણી દરમિયાન લગભગ 9000 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આંધ્રપ્રદેશના ઉદાહરણને ટાંકીને તેમણે કહ્યું કે ચંદ્રબાબુ નાયડુ અને જગન રેડ્ડી જેવા રાજકીય નેતાઓએ ઈવીએમ સાથે ચેડાં અંગે ચિંતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : આજે છે ભારતનો બંધારણ દિવસ, જાણો તેનો ઈતિહાસ, મહત્વ અને તેનાથી સંબંધિત મહત્વની બાબતો
કોર્ટ કાલ્પનિક દાવાઓ પર વિચાર કરી શકે નહીં
જસ્ટિસ વિક્રમનાથે કહ્યું કે જ્યારે નેતાઓ હારે છે ત્યારે તેઓ આક્ષેપ કરે છે કે ઈવીએમ સાથે છેડછાડ કરવામાં આવી છે અને જ્યારે તેઓ જીતે છે ત્યારે તેઓ કંઈ બોલતા નથી. કોર્ટ આવા કાલ્પનિક દાવાઓ પર વિચાર કરી શકે નહીં. આ પહેલા એપ્રિલમાં પણ સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી.