પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને સુપ્રીમ કોર્ટનો ઝટકો, જામીન અરજી ફગાવી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પૂર્વ JDS સાંસદ પ્રજ્વલ રેવન્નાની જામીન અરજી ફગાવી દીધી છે. તેના પર બળાત્કાર અને જાતીય સતામણીના ગંભીર આરોપો છે. સોમવારે જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે પ્રજ્વલ રેવન્નાની જામીન અરજી ફગાવી દેતાં કહ્યું હતું કે રેવન્ના ખૂબ જ પ્રભાવશાળી વ્યક્તિ છે અને તેને જામીન પર છોડવામાં આવે તો તે કેસને અસર કરી શકે છે.
રેવન્ના તરફથી વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગી હાજર રહ્યા હતા. મુકુલ રોહતગીએ કોર્ટ પાસે છ મહિના પછી ફરી અરજી દાખલ કરવાની પરવાનગી માંગી હતી, પરંતુ બેન્ચે તેના પર કોઈ ટિપ્પણી કરી ન હતી અને અરજીને ફગાવી દીધી હતી.
નોંધનીય છે કે ઓગસ્ટ 2024માં કર્ણાટકની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ પ્રજ્વલ રેવન્ના વિરુદ્ધ બળાત્કાર અને યૌન શોષણના કેસમાં 2,144 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે રેવન્નાએ તેના ઘરમાં કામ કરતી એક મહિલાનું યૌન શોષણ કર્યું હતું. આ ઉપરાંત પ્રજ્વલ રેવન્ના સામે જાતિય સતામણીના બે કેસ અને જાતિય હુમલાનો એક કેસ પણ નોંધાયેલો છે. પ્રજ્વલ રેવન્ના હોલેનારસીપુરાના JDSના વિધાન સભ્ય એચડી રેવન્નાના પુત્ર અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાનો પૌત્ર છે.
આ પણ વાંચો :સભ્ય સમાજમાં ‘Bulldozer Justice’ને કોઈ સ્થાન નથી, સુપ્રીમ કોર્ટે યુપી સરકારને ફટકાર લગાવી
પ્રજ્વલ રેવન્ના પર અનેક મહિલાઓનું જાતિય શોષણ કરવાનો અને તેમનો વીડિયો ઉતારવાનો આરોપ છે. લોકસભાની ચૂંટણી પહેલા આ બધા વીડિયો લીક થઇ ગયા હતા. ત્યાર બાદ પ્રજ્વલ રેવન્ના ગાયબ થઇ ગયો હતો અને એક વીડિયો મેસેજ મોકલ્યા બાદ તેણે સરેન્ડર કર્યું હતું. હાલમાં તે જેલમાં છે.