ટોપ ન્યૂઝનેશનલ

સુપ્રીમ કોર્ટે વકફ કાયદા મુદ્દે કેન્દ્ર સરકારને આ 3 આકરાં સવાલો પૂછ્યા

નવી દિલ્હી: તાજેતરમાં સંસદમાંથી પસાર કરવામાં આવેલા વકફ સુધારા બીલ (Waqf Amendment Bill)ને પડકારતી અરજી પર સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં સુનાવણી કરવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે બુધવારે વકફ કાયદાની કેટલીક જોગવાઈઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કોર્ટે મુખ્ય ત્રણ મુખ્ય મુદ્દાઓ પર ખાસ ટીપ્પણી કરી હતી.

સુપ્રીમ કોર્ટે કોર્ટના ચુકાદાઓ દ્વારા અગાઉ માન્યતા પ્રાપ્ત “વકફ બાય યુઝર” મિલકતોની સ્થિતિ, વકફ કાઉન્સિલ અને વકફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોનું વર્ચસ્વ, અને મિલકતનો સરકારી જમીન તરીકે દાવો કરવામાં આવે તો તેને વકફની મિલકત ગણાવામાં ન આવે એ જોગવાઈ અંગે વાંધો ઉઠાવ્યો હતો.

વકફ સુધારા બીલ, 2025 સામે સંસદ સભ્યો, મુસ્લિમ વિદ્વાનો, ધાર્મિક સંગઠનો અને રાજકીય પક્ષો દ્વારા 70થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. અરજદારોનો દલીલ છે કે આ કાયદો ધાર્મિક સ્વતંત્રતાઓનું રક્ષણ કરતી બંધારણની કલમ 25 અને 26નું ઉલ્લંઘન કરે છે.

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) સંજીવ ખન્નાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે તે એક વચગાળાનો આદેશ પસાર કરવાનું વિચારી રહી છે, જે ઇક્વિટીને સંતુલિત કરશે, સાથે જ તેઓ કેન્દ્ર અને રાજ્યોને ગુરુવારે સુનાવણી દરમિયાન એક તક આપવા સંમત થયા.

બુધવારે બેન્ચે કોઈ આદેશ પસાર કર્યો ન હતો પરંતુ સૂચવ્યું હતું કે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોનો સમાવેશ, વક્ફ મિલકતો પર વિવાદ પર નિર્ણય કરવાની કલેક્ટર્સની સત્તાઓ અને કોર્ટ દ્વારા વક્ફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને ડી-નોટિફાઇ કરવાની જોગવાઈઓ સહિત કેટલીક જોગવાઈઓ પર સ્ટે મૂકી શકાય છે

અદાલતો દ્વારા ‘વક્ફ બાય યુઝર’ જાહેર કરાયેલી મિલકતોની સ્થિતિ:
કોર્ટે સરકારને કહ્યું, “જ્યારે કોઈ કાયદો પસાર થાય છે, ત્યારે અદાલતો સામાન્ય રીતે દખલ કરતી નથી. જો વક્ફ બાય યુઝર જાહેર કરાયેલી મિલકતને ડિનોટિફાઇડ કરવામાં આવે છે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. કોર્ટ દ્વારા વક્ફ જાહેર કરાયેલી મિલકતોને વક્ફ તરીકે ડિનોટિફાઇડ કરવામાં ન આવે અથવા બિન-વક્ફ મિલકતો તરીકે ગણવામાં ન આવે, પછી ભલે તે વક્ફ બાય યુઝર હોય કે વક્ફ બાય ડિકલેરેશન…”

કલેક્ટરની તપાસ દરમિયાન મિલકતને વકફ તરીકે રોકવી:
સુપ્રીમ કોર્ટે કહ્યું “શું આ વાજબી છે? જે ક્ષણે કલેક્ટર તપાસ શરૂ કરે છે અને જ્યારે તેમણે હજુ સુધી નિર્ણય લીધો નથી, ત્યારે તમે કહો છો કે એ મિલકત વકફ તરીકે ગણી શકાય નહીં.. આ જોગવાઈથી કયો હેતુ પૂરો થશે? કલેક્ટર કાર્યવાહી ચાલુ રાખી શકે છે, પરંતુ જોગવાઈ અમલમાં મૂકવામાં આવશે નહીં. જો તે ઇચ્છે તો તે આ કોર્ટ સમક્ષ અરજી દાખલ કરી શકે છે અને અમે તેમાં ફેરફાર કરી શકીએ છીએ.”

આપણ વાંચો:  ટ્રમ્પ પ્રશાસનની વિઝા નીતિને કોર્ટમા પડકારી આ ભારતીય વિદ્યાર્થીએ, કહ્યું પગલું ખોટું અને ગેરકાયદે

વકફ બોર્ડ અને કાઉન્સિલની રચના:
સુપ્રીમ કોર્ટે કહ્યું “જ્યારે પણ હિન્દુ દાન-પુણ્યની વાત આવે છે, ત્યારે શું તમે મુસ્લિમોને આ સંસ્થાઓના સભ્ય બનવાની મંજૂરી આપશો? સ્પષ્ટપણે કહો. જ્યાં સુધી બોર્ડ અને કાઉન્સિલના બંધારણનો સંબંધ છે, એક્સ ઓફીસીઓ (ex officio) ની નિમણૂક કરી શકાય છે, ભલે તેમનો ધર્મ ગમે તે હોય, પરંતુ બાકીના સભ્યો મુસ્લિમ હોવા જોઈએ.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button