તિરુપતિના પ્રસાદ મુદ્દે સાઉથના બે સુપરસ્ટાર આમનસામને, સોશિયલ મીડિયા પર છેડાયો જંગ

આંધ્રપ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ દેશમાં ભારે રોષ વ્યાપ્યો છે. પ્રસાદીના લાડવાઓમાં ચરબીની ભેળસેળને લઈને હવે સાઉથનાં બે મોટા એક્ટર પવન કલ્યાણ અને પ્રકાશ રાજ વચ્ચે વાકબાણના પ્રહારો થયા છે. આ મામલે જ્યારે આંધ્ર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને તેલુગુ ફિલ્મ સ્ટાર પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી ત્યારે પ્રકાશ રાજે તેમની પોસ્ટની વાતની ટીકા કરી હતી. હવે આ મામલે પવને જવાબ આપ્યો છે.
પવન કલ્યાણે આ મામલો પ્રકાશમાં આવ્યા બાદ કહ્યું હતું કે તે ખૂબ જ દુખી છે. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે હવે રાષ્ટ્રીય સ્તરે ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાનો સમય આવી ગયો છે જે સમગ્ર ભારતમાં મંદિર સંબંધિત મુદ્દાઓ પર નજર રાખશે. પવનના નિવેદન પર પ્રતિક્રિયા આપતા, જાણીતા અભિનેતા પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પર લખ્યું કે ‘ડિયર પવન કલ્યાણ, આ તે રાજ્યમાં થયું છે જ્યાં તમે નાયબ મુખ્યમંત્રી છો. કૃપા કરીને તપાસ કરો, દોષિતોને શોધી કાઢો અને કડક પગલાં લો. શા માટે તમે આ મુદ્દાને સનસનાટીભર્યા બનાવો છો અને તમે તેને રાષ્ટ્રીય સ્તરે શા માટે મોટું કરવા માંગો છો? દેશમાં પહેલેથી જ સાંપ્રદાયિક તણાવ છે (કેદ્રમાં બેઠેલા તમારા મિત્રોની કૃપાથી).
પ્રકાશ રાજની ટિપ્પણી પર પ્રત્યુતર આપતા પવન કલ્યાણે હવે કહ્યું છે કે તેઓ ‘હિંદુત્વની પવિત્રતા અને પ્રસાદીમાં ભેળસેળ’ વિશે વાત કરી રહ્યા છે. પવને કહ્યું કે, મારે આ મામલે કેમ ન બોલવું જોઈએ? હું તમારું સન્માન કરું છું પ્રકાશ રાજ, અને જ્યારે વાત ધર્મનિરપેક્ષતાની આવે છે ત્યારે તે સામસામે બંને પક્ષે હોવું જોઈએ. મને સમજાતું નથી કે તમે મારી ટીકા કેમ કરો છો? શું હું સનાતન ધર્મ પરના થયેલા હુમલાવિશે ન બોલી શકું? પ્રકાશે આ સબક શીખી લેવો જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રી કે કોઈએ પણ આ મુદ્દાને હળવાશથી ન લેવો જોઈએ, હું સનાતન ધર્મ પ્રત્યે ખૂબ જ ગંભીર છું.
પવને વધુમાં કહ્યું કે સનાતન ધર્મ તેના માટે સૌથી મહત્વપૂર્ણ છે અને દરેક હિંદુએ આ મામલે જવાબદારી લેવી જોઈએ. પોતાની વાત ખતમ કરતાં પવને કહ્યું, ‘જો આ બીજા કોઈ ધર્મમાં થયું હોત તો બહુ મોટું આંદોલન સર્જાય ચૂક્યું હોત.’
આ પહેલા તેલુગુ એક્ટર વિષ્ણુ મંચે પણ પવન પર પ્રકાશની સોશિયલ મીડિયા પોસ્ટ પર નારાજગી વ્યક્ત કરી હતી. વિષ્ણુએ કહ્યું હતું કે, ‘નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કડક તપાસ અને કાર્યવાહીની માંગ ઉઠાવી છે, જેથી આવી પવિત્ર પરંપરાઓની રક્ષા થઈ શકે. જ્યારે તમે આ મુદ્દો ઉઠાવી રહ્યા છો ત્યારે તમારે વિચારવું જોઈએ કે તેમાં સામુદાયિક રંગ ક્યાં ભેળવાય રહ્યો છે?
તાજેતરમાં પવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ મામલે એક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તિરૂમાલા પ્રસાદને કથિત રૂપે અપવિત્ર કરવાનો મામલો સામે આવ્યો છે. આનું તેઓ પ્રાયશ્ચિત કરશે અને તેઓ 22 સપ્ટેમ્બરથી ગુંટુર જિલ્લાના નામ્બુર સ્થિત શ્રી દશાવતાર વેંકટેશ્વર સ્વામી મંદિરમાં 11 દિવસની ‘પ્રયાશચિત્ત દીક્ષા’ લેશે.