મહાકુંભમાં ડુબકી લગાવવા પહોંચ્યા સુનિલ શેટ્ટી, પણ વ્યવસ્થા વિશે…

મહાકુંભમાં દેશ-વિદેશના લોકો આવી રહ્યા છે અને આસ્થાની પવિત્ર ડુબકી લગાવી રહ્યા છે બોલીવુડના પણ અનેક સિતારાઓ ઉદ્યોગપતિઓ ક્રિકેટ જગતના મહારથીઓ વગેરે અનેક લોકો મહાકુંભમાં પધારીને પવિત્ર સ્નાનનો લહાવો લઈ રહ્યા છે. બોલીવુડ અભિનેતા સુનિલ શેટ્ટી પણ તાજેતરમાં મહાકુંભમાં આવ્યા હતા અને તેમણે આસ્થાની પવિત્ર ડુબકી લગાવી હતી. પ્રયાગરાજમાં સંગમ તીર્થે પહોંચ્યા બાદ તેમણે સ્નાન પણ કર્યું હતું. તેમણે આ ક્ષણને દિવ્ય ક્ષણ ગણાવી હતી. આ સમય દરમિયાન તેઓ મહાકુંભની ભવ્યતાથી પ્રભાવિત જોવા મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજે એવું લાગી રહ્યું છે જાણે તેમણે ખરેખર ગંગાસ્નાન કર્યું હોય.
મહાકુંભમાં પવિત્ર ડુબકી લગાવ્યા બાદ સુનિલ શેટ્ટીએ મીડિયા સાથે વાત પણ કરી હતી અને તેમણે મેળાની વ્યવસ્થા વિશે પોતાના અભિપ્રાય વ્યક્ત કર્યા હતા. આ સમય દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને યુપીના મુખ્યપ્રધાન યોગ્ય આદિત્યનાથના નેતૃત્વમાં યોજાયેલા મહાકુંભમાં કરોડો ભક્તો માટે કરવામાં આવેલી વ્યવસ્થાની દિલ ખોલીને પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.
Also read: મહાકુંભમાં ઉમટ્યા સ્ટાર્સ, લગાવી સંગમમાં ડુબકી
સુનિલ શેટ્ટીએ મહાકુંભ વિસ્તારના નંદી સેવા સંસ્થાન કેમ્પમાં ઘણો સમય વિતાવ્યો હતો. તેમણે ઉત્તર પ્રદેશના ઔદ્યોગિક વિકાસ ખાતાના પ્રધાન નંદ ગોપાલ ગુપ્તા તેમજ અન્ય લોકોની સાથે પણ મુલાકાત કરી હતી અને સંસ્થાનની શિબિરમાં તેમની આખી ટીમ સાથે શુદ્ધ અલાહાબાદી ભોજન પણ આરોગ્યું હતું.
સુનિલ શેટ્ટીએ સમગ્ર વ્યવસ્થાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે મહાકુંભમાં જે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે તે ખરેખર અદભુત છે. કરોડો લોકોનું આગમન અને માતા ગંગા યમુના સરસ્વતીના સંગમમાં પવિત્ર ડુબકી લગાવવી એ સનાતનની સંસ્કૃતિ છે અને એ સનાતન સંસ્કૃતિ પર સૌને ગર્વ છે.