હવે યુપીની જેલમાં થશે સુંદરકાંડના પાઠ અને બોલાશે હનુમાન ચાલીસા
ધર્મ હંમેશાં શાંતિ અને સત્યનો માર્ગ બતાવે છે અને જીવન જીવવાનો રસ્તો આપે છે, જો તેને યોગ્ય રીતે સમજવા અને અનુસરવામાં આવે તો. જેલમાં ગયેલા કેદી પણ ક્યાક ભાન ભૂલ્યા છે અને ખોટા માર્ગે ગયા છે ત્યારે તેમને માર્ગ ચીંધવા માટે ઉત્તર પ્રદેશની સરકારે હવે હનુમાનજીનો સહારો લીધો છે. હવેથી યુપીની જેલોમાં સુંદરકાંડ અને હનુમાન ચાલીસા ગૂંજશે, તેવી જાહેરાત અહીંના જેલ બાબતોના પ્રધાને કરી છે. ખાસ કરીને દર મંગળવાર અને શનિવારે સમૂહ પાઠનું આયોજન કરવામાં આવશે.
આઝમગઢ જેલમાં કેદીઓ સાથે વાતચીત કરવા આવેલા જેલ પ્રધાન ધરમવીર પ્રજાપતિએ આ વાત કહી. તેમણે વધુમાં કહ્યું કે આ માટે કોઈ કેદીને દબાણ કરવામાં આવશે નહીં, પરંતુ દરેકને આમાં ભાગ લેવા વિનંતી કરવામાં આવી રહી છે.
આ માટે રાજ્યના જેલ પ્રધાન ધરમવીર પ્રજાપતિએ તમામ જેલ અધિક્ષકોને આ માટે યોગ્ય વ્યવસ્થા કરવા અને કેદીઓને જરૂરિયાત મુજબ ધાર્મિક પુસ્તકો આપવા જણાવ્યું છે.
તેમણે એમ પણ કહ્યું કે તમામ કેદીઓને વિનંતી કરવામાં આવી રહી છે કે તેઓ હનુમાનજીને વાંચે અને તેમની પાસેથી સમાજમાં સારું જીવન જીવવાની રીત શીખે. કેદીઓના વ્યક્તિત્વ વિકાસ માટે આ કરવામાં આવી રહ્યું છે. આમાં કોઈ ધાર્મિક હેતુ નથી કે કોઈ સીમા નથી, તેમ તેમણે સ્પષ્ટ કર્યું હતું.