સુલતાન જોહોર કપ: ભારતની જુનિયર હોકી ટીમનું શાનદાર પ્રદર્શન
જોહોર બાહરુ (મલેશિયા): ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે શુક્રવારે અહીં સુલતાન ઑફ જોહોર કપ જૂનિયર મેન્સ હોકી ટૂર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચ ૩-૩થી ડ્રો રમી હતી.
ભારત તરફથી અમનદીપ લાકરા (૩૦મી મિનિટ), આદિત્ય અર્જુન લાલેઝ (૫૬મી) અને ઉત્તમ સિંહ (૫૯મી)એ ગોલ કરીને ટીમ માટે પોઈન્ટ સુનિશ્ર્ચિત કર્યા હતા. પાકિસ્તાન તરફથી અરબાઝ અહેમદ (૩૧મી, ૫૮મી) અને અબ્દુલ શાહિદે (૪૯મી) ગોલ કર્યા હતા. ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં બંને ટીમોએ પોતાની પ્રતિષ્ઠા મુજબ પ્રદર્શન કર્યું હતું. ડિસેમ્બરમાં મલેશિયામાં યોજાનાર જૂનિયર વર્લ્ડ કપ પહેલા તમામ ટીમો માટે આ ટૂર્નામેન્ટ કઠિન પરીક્ષા હશે.
ભારતને ૧૨મી મિનિટે ગોલ કરવાની પ્રથમ તક મળી હતી પરંતુ અંગદ બીર સિંહનો શોટ લક્ષ્ય સુધી પહોંચી શક્યો નહોતો. બંને ટીમોએ પહેલા ક્વાર્ટરમાં વધારે આક્રમકતા દાખવી ન હતી પરંતુ તેમનો ડિફેન્સ સારો હતો.
પાકિસ્તાને બીજા ક્વાર્ટરમાં મજબૂત શરૂઆત કરી હતી અને પ્રથમ મિનિટમાં જ પેનલ્ટી જીતી લીધી હતી પરંતુ ભારતીય ટીમે તેનો સારો બચાવ કર્યો હતો.
આ પછી ભારતીય ટીમને તેનો પહેલો પેનલ્ટી કોર્નર પણ મળ્યો હતો પરંતુ તેનો ફાયદો ઉઠાવી શકી નહોતી.
આ પછી ભારતીય ટીમે આક્રમક વલણ અપનાવ્યું હતું. ત્રીજા ક્વાર્ટર બાદ સ્કોર ૧-૧ની બરાબરી પર રહ્યો હતો. પાકિસ્તાનના કેપ્ટન અબ્દુલ શાહિદે ૪૯મી મિનિટે ગોલ કરી ટીમને લીડ અપાવી હતી. જો કે, અરબાઝે ટૂંક સમયમાં જ પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને પાકિસ્તાનને આગળ કર્યું. ઉત્તમે અંતિમ હૂટરની એક મિનિટ પહેલા ફિલ્ડ ગોલ કરીને ભારતને બરાબરી અપાવી હતી. ભારત તેની આગામી મેચ શનિવારે મલેશિયા સામે રમશે.