ચંડીગઢ: ગઈ કાલે મંગળવારે રાજસ્થાનના જયપુરમાં કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. હત્યાના વિરોધમાં આજે રાજસ્થાન બંધનું એલાન આપવામાં આવ્યું છે. દરમિયાન એવા અહેવાલો મળી રહ્યા છે કે રાજસ્થાન પોલીસને ગોગામેડીની હત્યા અંગે પહેલાથી જ ચેતવવામાં આવી હતી.
અહેવાલો મુજબ પંજાબ પોલીસે હત્યાના 7 મહિના પહેલા રાજસ્થાન પોલીસને હત્યાના કાવતરા અંગે લેખિત ઇનપુટ મોકલ્યા હતા. પંજાબ પોલીસે રાજસ્થાન પોલીસને પહેલેથી જ એલર્ટ કરી દીધું હતું કે ભટિંડા જેલમાં બંધ લોરેન્સ વિશ્નોઈ ગેંગનો ગેંગસ્ટર સંપત નેહરા ગોગામેડીની હત્યાનું કાવતરું ઘડી રહ્યો છે. પોલીસે એવું પણ ઇનપુટ આપ્યું હતું કે તેણે હત્યાના કાવતરા માટે એકે-47ની વ્યવસ્થા કરી હતી.
સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કર્યા બાદ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદરાએ ફેસબુક પર હત્યાની જવાબદારી સ્વીકારી હતી. તેણે લખ્યું, ‘ભાઈઓ, આજે સુખદેવ ગોગામેડીની હત્યા કરવામાં આવી હતી. હું આ હત્યાની સંપૂર્ણ જવાબદારી લઉં છું. મેં જ આ હત્યા કરી છે. હું તમને કહેવા માંગુ છું કે ગોગામેડી અમારા દુશ્મનોને મદદ કરીને તેમને મજબૂત બનાવતો હતો.
આ સાથે રોહત ગોદારાએ ફેસબુક પર ચેતવણી આપતા કહ્યું હતું કે, ગોગામેડીની હત્યા અમારા બાકીના દુશ્મનો માટે એક બોધપાઠ છે કે જો તમે અમારા રસ્તામાં આવશો તો તામારો પણ આવો જ અંજામ આવશે.